Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જસદણ પાલિકાને સુધરવાની કોંગ્રેસની છેલ્લી ચેતવણી : ગુરૂવારે બંધની ચિમકી

જસદણ તા. ૮ : જસદણ નગરપાલિકાના અંધેર વહિવટના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે વારંવાર લેખીત તેમજ મૌખીક રજૂઆત કરવા છતાં પણ યોગ્ય પ્રત્યુતર નહી મળતા આજરોજ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીની ઉપસ્થિતિમા જસદણ નગરપાલિકાના વિપક્ષી નેતા હરેશભાઈ ધાધલની આગેવાની હેઠળ જસદણ કોંગ્રેસ પરિવારના પચાસેક આગેવાનો આજરોજ નગરપાલિકા કચેરીએ પહોંચી ચિફ ઓફિસરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરતા થોડીવાર માટે તો વાતાવરણમાં ગરમાવો પ્રસરી ગયો હતો.

આવેદન પત્રમાં જસદણ શહેરના સફાઈ કામદારો છેલ્લા આઠ દિવસથી પોતાની માંગ સાથે ઉપવાસ ઉતરતા શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા હોવાથી ગંભીર રોગચાળો ફેલાતો અટકાવવા સફાઈ કામદારો સાથે સુખદ સમાધાન કરી શહેરને ગંદકી મુકત કરવુ - શહેરમાં આઠથી દશ દિવસે પાણી આવતા શહેરીજનો પાણી માટે વલખા મારી રહયા છે ત્યારે શહેરીજનોને એકાંતરા પાણી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરવી - વર્ષો પહેલા જીલેશ્વર પાર્ક ખાતે તૈયાર કરવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતા આજ દિવસ સુધી શુદ્ઘ પાણીથી શહેરીજનો વંચીત રહયા છે જે ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરાવી શહેરીજનોને શુદ્ઘ પાણી મળી રહે તે માટેની ઝડપી કાર્યવાહી કરવી - શહેરના ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી તેમજ રસ્તાઓ આડેધડ ખોદી નવા રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં નથી આવી તે કારણોસર શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે માટે ભૂગર્ભ યોજના તેમજ રસ્તાઓનુ કામ સત્વરે શરૂ કરવા ચિફ ઓફિસરને ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.

આવેદન પત્રના અંત માં શહેરીજનોના હિત માટે ઉપરોકત રજૂઆતોનો તા - ૧૨/૩/૧૯ સુધીમાં નિવેડો નહી આવેતો આગામી ૧૩/૩/૧૯ ને બુધવારના રોજ શહેરીજનોને સાથે રાખીને ટાવરચોક જસદણ ખાતે ૧૧ થી ૫ ધરણા કરવામાં આવશે તેમ છતા જસદણ નગરપાલિકા કુંભકર્ણી નિંદ્રા માં રહેશે તો ૧૪/૩/૧૯ ને ગુરૂવારના રોજ જસદણ શહેર બંધ નુ એલાન આપી નગરપાલિકા કચેરીને ઘેરાવ કરી તાળાબંધી કરવામાં આવશે તેવી ચિંમકી ઉચ્ચારવામાં આવી હતી.

કોંગી આગેવાનો ચિફ ઓફિસરની ચેમ્બરમાં દાખલ થતા રજૂઆત કરવાની પહેલ કરે તે પહેલા ચિફ ઓફિસરે પોલીસ બોલાવો કહેતા હાસ્ય નુ મોંજુ ફરી વળ્યું હતુ ચિફ ઓફિસરના મનસ્વી વલણ સામે પણ આંગળી ચિંધવામાં આવી હતી. આવેદન આપતી વેળાએ ચંદ્રકાંતભાઈ ભટ્ટ, મેહુલભાઈ સંઘવી, હરેશભાઈ શેઠ, ધીરૂભાઈ છાયાણી, જયેશભાઈ મયાત્રા, પ્રવિણભાઈ પરમાર, બશીરભાઈ પરમાર, ગિતેશભાઈ અંબાણી, ભાવેશભાઈ તેરૈયા, દકુભા ગોર, રવિભાઈ જીવાણી, કેશુભાઈ જાંપડીયા, પાંચાભાઈ છાયાણી, રફિકભાઈ રવાણી, ફલજીભાઈ મકવાણા, જમાલભાઈ પરમાર, રાજુભાઈ ડાભી, કાદરભાઈ કથિરી, ઉદયભાઈ ધાધલ, રાજુભાઈ પરમાર, મિતેશભાઈ પરમાર, સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:01 pm IST)