Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સાસણ ગીરના જાંબાઝ ફોરેસ્ટ અધિકારીઓની બદલી

કડપ જમાવનાર અધિકારીઓની એકાએક બદલીથી ચારે કોર ચર્ચા : ચુંટણી તો નથી નડીને?

રાજકોટ તા. ૭ : સાસણ ગીર ખાતે છેલ્લા ઘણા સમયથી સુદ્રઢ બંદોબસ્ત અને અન્ય વ્યવસ્થાઓ કડક બનાવનાર જાંબાજ અધિકારીઓની એકા એક બદલીથી ચારેકોર ચર્ચા જાગી છે.

મળતી માહીતી મુજબ એ.સી.એફ. રાજદીપસિંહ જાલા, આર.એફ.ઓ. વનરાજસિંહ જાડેજા, દલખાણીયાના આર.એફ.ઓ. રૂચીબેન દવે, આર.એફ.ઓ. રાજનભાઇ જાદવ, શકરબાગના એ.સી.એફ. રવિરાજસિંહ રાઠોડની બદલીના ઓર્ડરો નિકળ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અધિકારીઓની ટીમ એવી હતી કે જેમણે સખત લાલ આંખ રાખીને ગીર જંગલોની સુરક્ષા માટે જહેમત ઉઠાવી છે. ગેરકાયદેસર સિંહ દર્શન થતા અટકાવવા, જંગલમાં ગેરકાયદેસર બાંધકામો બંધ કરાવવા, લાકડાની થતી ચોરી અટકાવવા તેઓએ સખત પગલા લીધા હતા.

એટલુ જ નહીં રાની પશુઓ માનવ વસવાટમાં આવી ન ચડે તે માટે પણ બંદબસ્તની સખત વ્યવસ્થા ગોઠવવાની કાબેલીયત આ અધિકારીઓએ દાખવી હતી. ત્યારે આવા કાર્યદક્ષ અધિકારીઓ સાસણ ગીરને સાચવવા સબળ પુરવાર થયા હોવા છતા તેમની અન્યત્ર બદલીથી ભારે ચર્ચા જાગી છે.

આ અધિકારીઓની આગવી શૈલીની કામગીરીથી વન્ય જીવોને છંછેડનારા તત્વો ફફડતા રહેતા હતા. ત્યારે તેમની બદલી થવાથી સાસણ ગીર રેઢા પડ જેવી તો નહીં બની જાયને તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

આગામી દિવસોમાં ચુંટણી નજીક છે ત્યારે આ બદલીઓ પાછળ તેની અસર તો નથીને? તેવી અટકળો પણ ચાલી છે.

(4:11 pm IST)