Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મોરબી સિરામિક ઉદ્યોગમાં કોલગેસના વપરાશમા પ્રતિબંધથી દોઢ લાખ શ્રમિકોની રોજગારીને અસર પડશે

કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરાશે : ઇન્ચાર્જ જીપીસીબી અધિકારી કાપડિયા

 મોરબી તા. ૭ : મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસની પ્રદુષણનું સ્તર વધી રહ્યું હોય અને બેફામ પ્રદુષણ ફેલાવતા કોલગેસ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ ચાલી રહ્યો હોય જે મામલે આજે મહત્વનો ચુકાદો આપતા એનજીટીએ તમામ પ્રકારના કોલગેસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મોરબીથી વાંકાનેર સુધી તેમજ અન્ય સિરામિક ઝોન સહીત ૧૦૦૦ જેટલીઙ્ગ સિરામિક ફેકટરીઓ મોરબી પંથકમાં ધમધમે છે. જેમાંથી ૫૫૦ થી વધુ ફેકટરી કોલગેસનો વપરાશ કરે છે અને નિયમોની એસીતેસી કરવામાં આવી હોય જેથી કોલગેસના પગલે વ્યાપક પ્રદુષણ ફેલાતું હોય જે મામલે સિરામિક ઉદ્યોગપતિઓની અપીલને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ટ્રાયલ ચાલતી હોય જેમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને મોરબી અને વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરવા NGT એ આદેશ આપ્યો છે. કેન્દ્રીય અને રાજય પ્રદુષણ બોર્ડને તાત્કાલિક અસરથી પગલા લેવા પણ આદેશ આપવામાં આવ્યો છે તેમજ જો પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાર્યવાહી ના કરે તો કમિટીમાં ફરિયાદ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે.

મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઇન્ચાર્જ અધિકારી કાપડિયા સાથે વાતચીત કરતા જણાવે છે કે કોલગેસ બંધ કરાવવા મામલે કોર્ટનો લેખિત ઓર્ડર નથી મળ્યો. આ અંગે એનજીટીએ ચુકાદો આપ્યો છે અને કોર્ટ આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે કોલગેસ બંધ કરવા આદેશ આપ્યા છે જે ચુકાદાને ડીટેલમાં અભ્યાસ કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે હાલ અંદાજે ૪૦૦ થી વધુ ફેકટરી કોલગેસ આધારિત હોવાની માહિતી પણ પ્રાપ્ત થઇ છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને પગલે મોરબી સિરામિક એસોની તાકીદની બેઠક મળી હતી અને આ મામલે વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે પ્રદુષણ ફેલાવનાર સામે કાર્યવાહી થવી જોઈએ પરંતુ નિયમ પાલન કરનાર ફેકટરીના કોલગેસ બંધ ના થવા જોઈએ, ૫૦૦ થી વધુ ફેકટરી બંધ થશે તો એકથી દોઢ લાખ શ્રમિકોની રોજગારી પર અસર થશે તો કોલગેસ મામલે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શવી છે.

એનજીટી દ્વારા તમામ પ્રકારના કોલગેસ પર પ્રતિબંધ અંગે ચુકાદો આપવામાં આવ્યો છે જોકે અગાઉ એનજીટીની ગાઈડલાઈન પ્રમાણે જ કોલગેસને મંજુરી મળતી હતી અનેક ફેકટરીઓમાં મંજુરી વાળા કોલગેસ કાર્યરત છે તો અગાઉ મંજુરી બાદ હવે પ્રતિબંધથી ઉદ્યોગપતિઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી વ્યાપક પ્રદુષણ ફેલાય છે તે નક્કર હકીકત છે વળી કોલગેસના કદડાના આધેધડ નિકાલથી જમીન અને પાણીના પ્રદુષણની અનેક ગામોએ ફરીયાદો કરી છે ત્યારે પ્રાણ પ્રશ્ન બનેલા પ્રદુષણની સમસ્યાને ધ્યાને લઈને એનજીટીએ આપેલ ચુકાદાને આમ નાગરિકો આવકારી રહ્યા છે અને પ્રબુદ્ઘ નાગરિકો અગાઉ પણ કોલગેસ પર પ્રતિબંધની માંગ કરી ચુકયા છે.

(4:10 pm IST)