Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગોંડલ ૨૮ કરોડના મગફળી અગ્નિકાંડમાં ગુજકોટના અધિકારીઓ અને કર્મચારીઓની સીઆઇડી દ્વારા પુછતાછ

ગોડાઉન ભાડે કરારમાં જે શરતો છે અને તેનો અમલમાં બેદરકારી અંગે તપાસનો ધમધમાટઃ ડીવાયએસપી વાઘેલા

રાજકોટ, તા.,૮ : ગોંડલના ર૮ કરોડના મગફળી અગ્નિકાંડમાં  બેદરકારી દાખવનાર ગોડાઉન માલીક અને ગોડાઉન મેનેજર તથા વેલ્ડર સહિત છ શખ્સોને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર સોપ્યા બાદ સીઆઇડી ક્રાઇમની ટીમે ગોડાઉન ભાડા કરારમાં જે શરતો છે તેના અમલમાં થયેલ બેદરકારી અંગે ગુજકોટના અધિકારીઓ અને કર્મચારીઓની પુછતાછ હાથ ધરી છે.  ગોંડલના રામરાજય કોટેક્ષ મીલના ગોડાઉનમાં  ર૮ કરોડની મગફળીના જથ્થામાં આગની ઘટનામાં બેદરકારી દાખવનાર અને આ કારસ્તાન છુપાવનાર  વેલ્ડર ઉમેશ કિરીટભાઇ મહેતા, તેના કારીગરો રણવીર બાલુભાઇ વિસાણી, કમલેશગીરી ધીરજગીરી ગૌસ્વામી, મિલન દેવીદાસભાઇ ગોંડલીયા તેમજ ગોડાઉનના માલીકના પુત્ર દિનેશભાઇ સેલાણી અને તેના ગોડાઉન મેનેજર  મયુર ભુરૂભા ડાભીની સીઆઇડી ક્રાઇમ ટીમે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લીધેલ છે.

દરમિયાન તપાસનીસ અધિકારી સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી ડી.પી.વાઘેલાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, રિમાન્ડ પર રહેલા તમામ આરોપીઓની વિશેષ પુછતાછ ચાલુ છે. તેમજ ગોડાઉન માલીક અને ગુજકોટ દ્વારા જે ગોડાઉનનો ભાડા કરાર કરાયો છે તેમાં શું શું શરતો છે અને આ શરતોનો અમલ  કરવામાં થયેલ બેદરકારી અંગે ગુજકોટના અધિકારીઓ અને કર્મચારીઓની પુછપરછ કરાઇ છે અને જો કોઇની સંડોવણી પુરવાર થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જે ગોડાઉનમાં આગ લાગી હતી તે ગોડાઉનમાં ફાયર સેફટી તથા પાણીની કોઇ સુવિધા ન હતી. તેમજ લાઇટ કનેકશનની પણ સુવિધા ન હતી. એટલું જ નહિ ગોડાઉનનો ભાડા કરાર બંધ ગોડાઉનનો છે પણ આ ગોડાઉન ઓપન છે. સીઆઇડી ક્રાઇમની ટીમે આ તમામ મુદાઓ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:51 am IST)