Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વાંકાનેરની યુવતિને બ્લેકમેઇલ કરનાર સાધુ લંડન ગયો હોવાની ખોટી સ્ટોરી ઉભી કરી'તી

એમ.બી.એ.ની વાત પણ બોગસ નીકળીઃ પોલીસે સુરત જઇ તપાસ કરતા ભાંડો ફૂટયોઃ જેલહવાલે થયેલ સાધુ ગૌતમ ગોંડલિયાએ સુરતની યુવતીને પણ ફસાવી'તી

મોરબી તા. ૮ : મોરબી સોશ્યલ મિડીયામાં બોગસ એકાઉન્ટ બનાવી યુવતિને પજવતા સાધુની ધતિંગલીલાનો પોલીસે પર્દાફાશ કર્યા બાદ તેને રીમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ અગાઉ વર્ણવેલી તમામ હકીકતો ખોટી સાબિત થતાં સાધુનો ભાંડો ફુટયો હતો અને તપાસમાં એક નવો જ વળાંક આવ્યો હતો.

સાધુએ પોલીસને ગેરમાર્ગે દોરવા પોતે લંડન રીટર્ન અને ઉચ્ચ અભ્યાસી હોવાનું તેમજ તેની માતા મૃત્યુ પામી હોવાનું તમામ પોલીસ તપાસમાં ખોટું સાબિત થયું છે. વાંકાનેરની યુવતિએ યુ.એસ.ના ફેસબુક આઇ.ડી. મારફત ફોટા મંગાવી યુવતિને બ્લેકમેઇલ કરનાર સાધુ ગૌતમ ઉર્ફે ગૌતમનાથ ગોંડલિયાને ગત તા. ૧ના રોજ પોલીસે ઝડપી લીધા બાદ સાધુએ પોલીસને વિગતો આપી હતી કે, પોતે લંડનમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ ભારતમાં આવી જુનાગઢના વિસાવદરમાં આવ્યો હતો અને માતા-પિતાના અવસાન બાદ પોતે સાધુતા ધારણ કરી હતી અને યુવતિઓને પણ ફેક આઇડી બનાવી પોતે યુ.એસ.હોવાના પુરાવા હોય ફોટા મોકલી, મોહજાળમાં ફસાવીને બ્લેકમેઇલ કરતો હતો. પોલીસે સાચી હકીકત મેળવવા તેને ચાર દિવસના રીમાન્ડ પર લીધો હતો. પરંતુ રીમાન્ડ દરમિયાન સાધુએ પોલીસને આપેલી તમામ વિગતો ખોટી સાબિત થઇ હતી.

આ અંગે તપાસનીશ અધિકારી એએસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, રીમાન્ડ દરમિયાન સાધુ સુરતમાં રહેતો હોવાનું ખુલતા સુરત જઇને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી અને તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ શખ્સ સુરતનો જ છે અને તે કદી લંડન ગયો જ નથી. પોતે લંડન રીટર્ન હોવાની વાત ઉપજાવી કાઢી હતી.

પોતે લંડનમાં રહેતો હોવાની ફેક આઇ.ડી.માં યુવતિઓ સાથે ચેટીંગ દરમિયાન ગુગલમાં લંડનના ફોટા ડાઉનલોડ કરી ટેકનીકલી ફેરફારો કરી નવા જ રૂપમાં રજુ કરતો હતો અને તેની માતા મૃત્યુ પામી છે તે વાત પણ ખોટી છે. આ સાધુએ પિતાને માર માર્યો હતો. તદુપરાંત સુરતમાં પણ એક છોકરીને આ રીતે ફસાવી હોવાની ત્યાં ફરિયાદ નોંધાઇ હતી.

ચાર દિવસના રીમાન્ડ દરમિયાન સાધુની તમામ અસલિયત બહાર આવી ગઇ હતી અને રીમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરાયો છે.

(11:45 am IST)