Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સફાઇ કર્મચારીઓના પ્રશ્નોનું નિવારણ થાય અને તેમના કલ્યાણ માટે કાર્ય કરવા સકારાત્મક અભિગમ અપનાવીએઃ મનહરભાઇ ઝાલા

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન અમરેલીની મુલાકાતે

અમરેલી તા. ૮ : રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલાના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે બેઠક યોજાઇ હતી.

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલાએ જણાવ્યું હતુ કે, સમગ્ર સમાજના સ્વાસ્થ્ય માટે સફાઇ કામદારની ભૂમિકા મહત્વની છે. સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સતત કાર્યશીલ રહેતા સફાઇ કામદારની સેવા ખરેખર સમાજના રક્ષક તરીકેની જોવા મળે છે. આપણે સૌ પણ તેની કદરરૂપે સફાઇ કામદારને મળતી સવલતો પૂરી પાડવા કટિબધ્ધ થઇએ તે આવશ્યક છે.

તેમણે સફાઇ કર્મચારીઓના પ્રશ્નોનું નિવારણ થાય અને તેમના કલ્યાણ માટે કાર્ય કરવા સકારાત્મક અભિગમ અપનાવવા સૂચના આપી હતી. સફાઇ કર્મચારીઓને યોગ્ય અને પૂરતુ નિયમોનુસારનું વેતન મળી રહે તે માટે તમામ સંબંધિતોને જોવા અપીલ કરી હતી.

શ્રી ઝાલાએ, ભૂગર્ભ ગટરની સફાઇ માટે કાર્ય કરતા સફાઇ કર્મચારીઓને મળતી  વિશેષ સહાય, વિમો, વારસદારોને સહાય, સાધન-સહાય, સફાઇના સાધનો, ગણવેશ સહિતની વિગતો આપી હતી.

કલેકટર સંજય અમરાણીએ, પ્રો-એકિટવ બની સફાઇ કર્મચારી સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરવા સૂચના આપી હતી. આરોગ્ય, આવાસ, શિક્ષણ સહિતની બાબતોમાં મળતી યોજનાકીય સહાયનો લાભ મળી રહે તેવું આયોજન કરવા પર ભાર મૂકયો હતો. તેમણે બેઠકની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.   

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ અધિકારી જગદીશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી માંકડ, જિલ્લા આયોજન અધિકારી શ્રી ટોપરાણી, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેર શ્રી રાઠોડ, પીજીવીસીએલ ઇજનેર શ્રી ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જાદવ, પ્રાંત અધિકારીશ્રી સતાણી, સિવિલ સર્જનશ્રી રાઠોડ, મામલતદારશ્રી જાદવ, અરવિંદભાઇ સીતાપરા તેમજ સફાઇ કર્મચારીઓના પ્રતિનિધીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં અમરેલી જિલ્લાના અધિકારી-કર્મચારીઓનો પરિચય કરવામાં આવેલ.

(11:43 am IST)