Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ખંભાળીયાઃ બોર્ડની પરિક્ષામાં ફરજ બજાવતા સોગંદનામાં સામે પરીક્ષા બહિષ્કારની ચિમકી

ખંભાળીયા ત. ૮ :.. રાજય આચાર્ય સંઘના પ્રવકતા હિતેન્દ્ર આચાર્યએ જણાવ્યું છે કે આચાર્ય સ્થળ સંચાલકની નિષ્ઠા ભરી કામગીરીથી વહીવટ ચાલે છે તથા સમગ્ર કાર્યવાહીનું વિડીયો રેકોર્ડીંગ તથા ટેબલેટો પર લાઇવ ચેકીંગ થાય છે છતાં આવી અવિશ્વાસભરી રીતે પરિપત્ર કરતા સમગ્ર રાજયમાં ઉગ્ર વિરોધ થયો છે.

રાજય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી પ્રવિણસિંહ સોલંકી, મહામંત્રીશ્રી જયંતિલાલ માંગરોળીયા તથા સારસ્વત સંપાદક શ્રી વિષ્ણુભાઇ પટેલ દ્વારા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા બોર્ડના અધ્યક્ષને એક લેખિત પત્ર આપીને જણાવાયું છે કે આ આચાર્યો પ્રત્યે અવિશ્વાસ કરતો પરિપત્ર તાકીદે રદ કરવો અથવા પરીક્ષા કામગીરીમાં સંકળાયેલ તમામ કર્મચારીઓ ઝોનલ, ડી. ઇ. ઓ. કચેરી, બોર્ડના કર્મચારી, પરિવહન કોન્ટ્રાકટર થી માંડીને તમામના સોગંદનામા કરાવવા નહીં તો કોઇ આચાર્ય સોગંદનામાા નહીં કરે તથા જો આ અંગે નિર્ણય યોગ્ય નહીં થાય તો સમગ્ર રાજયમાં ધો. ૧૦-૧ર થી બોર્ડ ની જાહેર પરીક્ષાઓનો બહિષ્કાર કરવામાં આવશે.

એક તરફ શાંતિપૂર્ણ સુચારૃં સંચાલન થાય તે માટે પ્રતિવર્ય નવા નવા સુધારાઓ સાથે વ્યવસ્થા તંત્ર સુધરતું જાય છે. દરેક જિલ્લામાં રેવન્યુ તંત્ર પણ આવી જાહેર પરીક્ષાઓમાં દેખરેખ રાખતું હોય છે દરેક સ્થળે બોર્ડની સ્કવોડ, ઝોનલ અધિકારીઓ સરકારી પ્રતિનિધિઓ તથા વિડીયો રેકોર્ડીંગ, લાઇવ શૂટીંગ હોય ત્યારે આવી રીતે સ્થળ સંચાલકો આચાર્યો પ્રત્યે અસંતોષ દર્શાવતો અને અવિશ્વાસ દર્શાવતો પરિપત્ર ભારે ટીકારૂપ બન્યો છે. આવતીકાલે રાજયના શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહી ઉદઘાટન કરનાર છે તે રાજય આચાર્ય સંઘનાં અધિવેશનમાં પણ આ મુદ્ે ભારે ઉગ્ર વિરોધ થનાર છે.

આચાર્ય સંઘ દ્વારા પરીક્ષા બહિષ્કાર ના નિર્ણયને અખિલ ગુજરાત રાજય શાળા સંચલક મહામંડળના નારણભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ, કનુભાઇ સોરઠીયા તથા બોર્ડના સદસ્યો શ્રી પ્રીયવદન કોરાટ તથા એ. કે. બુટાણીએ પણ ટેકો જાહેર કર્યો છે.

(11:34 am IST)