Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

જોડીયાના અણઉકેલ પ્રશ્નો કયારે ઉકેલાશે ?

તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ મગનભાઇ કાનાણીની રજૂઆત

જોડીયા, તા. ૮ : જોડીયા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ મગનભાઇ ભવાનભાઇ કાનાણીએ જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયાને પત્ર પાઠવીને જોડીયા તાલુકાના વિસ્તારના સામાન્ય પ્રશ્નો ઉકેલવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, જાંબુડા પાટીયાથી જોડીયા, ભાદરા પાટીયા, બાલંભા, આમરણથી માળીયા (મીંયાણા) સુધીનો જે કોસ્ટલ હાઇવે ખરાબ સ્થિતિમાં છે તેથી યોગ્ય સુધારણા કરવા જોડીયા મુકામે ઉંડ નદીના મુખ પ્રદેશ પર જે ક્ષારઅંકુશ વિભાગ દ્વારા બંધારા યોજના જે મંજુર કરેલ છે તે યોજનાનું કામ હાલમાં સંપૂર્ણ સ્થગિત છે તે વહેલાસર પૂર્ણ કરાવવી રોજગારીનું મુખ્ય સાધન એક માત્ર ખેતી છે અને ખેતી માટે ઉંડ-ર ડેમ તથા નાના મોટા ચેક ડેમો, બંધારા યોજનાઓ દ્વારા જે પાણી ટોકીને ખેતીને આપવામાં આવે છે તે પાણીનો જથ્થો ખેતી માટે પૂરતો નથી તો સૌની યોજના દ્વારા ઉંડ-૧ તથા ઉંડ-ર ડેમો ભરવા અને આ ડેમોની તમામ પ્રકારની કેનાલોના કામો પૂરા કરાવવા જરૂરી છે.

ઉંડ-ર ડેમથી નીચેના ભાગમાં ઉંડ નદીના પટ (ફોટાઓ) જે દરિયાને મળે છે જેના પરિણામે ઉંડ નદીના તળમાં પાણીનો સંગ્રહ થાય છે અને આ પાણીથી ભાદર, આણદા, કુન્નડ, બાદનપર તથા જોડીયા ગામના ખેડૂતો નદી કાંઠાના વિસ્તારમાં કુવા, ઓરિયા અને સિંચાઇ માટેની પાઇપ લાઇનો દ્વારા આ સંગ્રહિત પાણીના જથ્થાનો ખેતીમાં સિંચાઇ માટે ઉપયોગ કરી આજીવિકા ટકાવી શકે છે તેથી આ ઉંડ નદીની રેતી જે રેતી ચોરીથી ખૂબ પ્રમાણમાં ઉચકેલ છે તેની યોગ્ય તપાસ કરી નિયમ મુજબ પગલા લેવા તથા આ રેતી ચોરીને તત્કાલીક અસરથી અટકાવવી અને ભવિષ્યમાં આ રેતીને રોકવાની જરૂરીયાત હોવાથી કાયમી ધોરણે લીઝ કે પરમીટ આપવી નહિ.

આ ઉપરાંત ખેતી માટેના વિજકનેકશનો જેની ખેડુતોએ માંગાણી કરેલ છે તે વહેલી તકે આપવા આ વિસ્તાર દરિયા કિનારાની કાંઠાનો છે તેથી અવાર નવાર ખેતીના તૈયાર પાકને ખુંટીયા, રોઝ તથા ભુંડથી નુકશાન થાય છે તો આ પ્રાણીઓના કાયમી ધોરણે યોગ્ય નિકાલ કરવો. જોડીયા તાલુકો શિક્ષણની સ્થિતિએ પાછળ છે તેથી સર્વ દિશાએ વિકાસ કરવા માટે વ્યકિત શિક્ષિત હોવી જરૂરી છે તો આ તાલુકાની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પૂરતો સ્ટાફ નિયકુત કરી મફત અને સાર્વત્રિક શિક્ષણનો વ્યાપ વધે તેવા પ્રયત્નો કરવા જેથી આર્થીક નબળા વર્ગના લોકો પોતાના સંતાનોને સસ્તુ શિક્ષણ અપાવી શકે. એક પણ ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજ નથી તો સરકારશ્રી દ્વારા કોલેજ શરૂ થાય તે જરૂરી છે. સરકારી જે કચેરીઓ આવેલ છે તેમાં નિયત મહેકમ પ્રમાણે સ્ટાફ નથી જેથી પ્રજાના કામો સમયસર થતા નથી તો તાત્કાલીક મહેકમ

પૂર્ણ કરવા. તાલુકા મથકે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે તેમાં નક્કી થયા મુજબ ડોકટરની જગ્યાઓ ખાલી છે તે અને આ આરોગ્ય કેન્દ્રમાં બીજી પણ ઘણી જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવી જેથી લોકોને આરોગ્યની સેવાઓ તુરંત મળી રહે તે જરૂરી છે.

ઉપરોકત રજુઆતના સંદર્ભે ગુજરાતમાં ૪૪ વર્ષ કોંગ્રેસની સરકાર અને છેલ્લા રર વર્ષથી ભાજપાની સરકાર બને સરકારોએ જોડીયાના પ્રાણ પ્રશ્નોને અગ્રતા ન આપતા આજનું તાલુકા મંથક જોડીયાની સ્થિતિ ગામડાઓ કરતા બદતર થઇ રહી છે. જયારે રાજાશાહીમાં જોડીયાનો વિકાસ થયો હતો, પરંતુ લોકશાહીમાં જોડીયા ધીમે ધીમે વિકાસને બદલે વિનાશ તરફ ગતિ કરી રહ્યું છે.

ભૂગર્ભ ગટરના પ્રશ્ને રજૂઆત

જીલ્લા પંચાયત જામનગરના સદસ્ય સુલ્તાબેન શરફરાજભાઇ ખ્યારે વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીને પત્ર પાઠવીને ભૂગર્ભ ગટરના મેન્ટેનશનના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવીને તેનો ઉકેલ લાવવા માંગણી કરી છે.

આ પ્રશ્ને સરકારી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી જેથી તાકીદે યોગ્ય કરવા અંતમાં સુલ્તાનાબેન શરફરાજભાઇ ખ્યારે માંગણી કરી છે.

(10:28 am IST)