Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

૫૭ લાખ પરિવારોનો અમૃતમ યોજનામાં સમાવેશઃ વિજયભાઇ રૂપાણી

સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય ભવનના લાભાર્થે ચાલતી રામકથાનું શ્રવણ કરતા મુખ્યમંત્રીઃ રાજનેતાઓએ સતત લોકો વચ્ચે રહેવું જોઇએ, તો જ લોકોની વાચાવેદના જાણવા મળે છેઃ પૂ. મોરારીબાપુ

સાવરકુંડલા - અમરેલી : સાવરકુંડલા ખાતે પૂ. મોરારીબાપુના વ્યાસાસને આયોજીત શ્રી રામકથામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હાજરી આપી હતી. અને લલ્લુભાઇ આરોગ્ય મંદિરની મુલાકાત લઇને ધન્યતા અનુભવી હતી. (તસ્વીર : દિપક પાંધી, સાવરકુંડલા)

અમરેલી - સાવરકુંડલા - રાજકોટ તા. ૮ : સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય ભવનના લાભાર્થે જાણીતા રામાયણી શ્રી મોરારિ બાપુના વ્યાસાસને ચાલી રહેલી રામકથાના શ્રવણનો લાભ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લીધો હતો. અહીં મુખ્યમંત્રીશ્રીએ રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં રહેલી આરોગ્યલક્ષી વિવિધ યોજનાનો ખ્યાલ આપ્યો હતો અને કહ્યું કે રાજયના ૫૭ લાખ પરિવારોને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પણ ગરીબ પરિવારોને રૂ. ૫ લાખનું વીમા કવચ આપ્યું છે.

 

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું કે નાગરિકોના તન અને મન તંદુરસ્ત  રહે તે માટે રાજય સરકાર સતત ખેવના કરી રહી છે. જનઆરોગ્યની ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. આથી, રાજય સરકારે આરોગ્ય સેવાનો વ્યાપ વિસ્તાર્યો છે. ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર તથા દવા આપવામાં આવે છે.

નિઃશુલ્ક સારવાર રાજય સરકાર આવી રીતે કાર્ય કરી શકે છે, પણ સામાજિક સંસ્થાઓ આવી રીતે સેવાનું કાર્ય કરે તે ઉત્ત્।મ બાબત છે, તે કહેતા શ્રી રૂપાણીએ ઉમેર્યું કે રાજય સરકાર લોકભાગીદારીથી પણ સેવાના કાર્યો કરી રહી છે. ત્યારે, સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય ભવનમાં નિઃશુલ્ક સારવારથી દર્દીનારાયણની સેવા થશે. વળી, દીકરીઓના જન્મ વેળાએ એક ચાંદીનો સિક્કો આપી તેને વધાવવામાં આવે છે, એ પ્રેરક વાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન આ માટે ઉદ્દીપક છે.

તેમણે સ્પષ્ટ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન યોજનાની આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. તેનાથી ગરીબોને ફાયદો થશે અને ગરીબ પરિવારોને રૂ. ૫ લાખનું વીમા કવચ મળશે.

મુખ્યમંત્રીશ્રીએ શ્રી મોરારિ બાપુનું વંદન સહ અભિવાદન કર્યું હતું અને શાંતિથી કથા સાંભળી હતી.

શ્રી મોરારિબાપુએ કહ્યું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સ્વભાવે સાર સરળ છે અને સતત પ્રજા વચ્ચે રહે છે. તે સારી બાબત છે. રાજનેતાઓએ સતત લોકો વચ્ચે રહેવું જોઇએ. તો જ લોકોની વાચાવેદના જાણવા મળે છે. તેમણે શ્રી રૂપાણીના વડપણમાં રાજય સરકાર પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે, તે વાતની પ્રશંસા કરી હતી.

આ વેળાએ અગ્રણીઓ સર્વ શ્રી વી. વી. વઘાસિયા, કાળુભાઇ વીરાણી, પૂનાભાઇ ગજેરા, સવજીભાઇ ધોળકિયા, જયસુખભાઇ કાનાણી, કૌશિકભાઇ વેકરિયા,  હિરેનભાઇ હિરપરા, વિદ્યાગુરુ ફાઉન્ડેશનના શ્રી હરેશભાઇ મહેતા, શ્રી નંદલાલભાઇ માનસેતા, સાહિત્યકાર શ્રી રતિલાલ બોરિસાગર, કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

નવજાત દિકરીને ચાંદીનો  સિક્કો આપી વધાવતા વિજયભાઇ

સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં લોકઆરોગ્યની ખેવના કરતી સંસ્થા લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રની મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણીએ આજે મુલાકાત લીધી હતી. અહીં વિવિધ વિભાગોમાં રૂબરૂ જઇ આરોગ્યલક્ષી કામગીરીની માહિતી મેળવી હતી. અહીં દવાખાનામાં એક દીકરીનો જન્મ થતાં તેમને મુખ્યમંત્રીના હસ્તે ચાંદીનો સિક્કો આપી વધાવવામાં આવી હતી.

અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ખાતે છેલ્લા ત્રણ વરસથી શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્ર પ્રવૃત છે. તેના લાભાર્થે તા. ૩/૨ થી રામકથાનો પ્રારંભ થયેલ. આ પવન પ્રસંગે આજરોજ રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રામકથામાં ઉપસ્થિત રહીને પ્રખર રામાયણીશ્રી મોરારીબાપુનાં શ્રીમુખેથી થઇ રહેલ રામકથાની અમૃતવાણીનું રસપાન કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણી રામકથામાં ઉપસ્થિત થતા પહેલા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંસ્થા સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રનાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી આ તકે સંસ્થાનાં પ્રમુખશ્રી હરીશભાઇ મહેતા તથા ઉપપ્રમુખશ્રી ડો. નંદલાલ માનસતાએ કેન્દ્રમાંચાલતી વિવિધ આરોગ્ય સેવાઓની જાણકારી પુરી પાડી હતી

શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનનાં પ્રમુખશ્રી હરેશભાઇ મહેતાએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકારીને શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર  અંગે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, સાવરકુંડલા ખાતે શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ ૭ જાન્યુઆરી-૨૦૧૫નાં રોજ કરવામાં આવેલ  જેનાં ત્રણ વર્ષ સફળ અને સંતોષદાયી રીતે  પુર્ણ થયા છે અને આરોગ્ય કેન્દ્રનો ત્રણ લાખથી વધારે લોકોએ  આરોગ્ય સેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે.

વધુમાં તેઓશ્રીએ જણાવ્યુ હતુ કે, સમાજની અપેક્ષાઓથી પ્રેરિત થઇ હોસ્પિટલમાં નવા સુવિધાપૂર્ણ વિભાગોનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં અદ્યતન ઉપકરણોથી સુસજજ ઓપરેશન થીયેટર સાથેનો સર્જિકલ વોર્ડ, રેડિયોલોજી થીયેટર ડિપાર્ટમેન્ટ, આઇ.સી.યુ. વગેરેનો સમાવેશ થાય છે.(૨૧.૨૫)

રાજય સરકાર કરિયાવર કરતી રહે, તેવી હનુમાનજીને પ્રાર્થનાઃ પૂ.મોરારીબાપુ

કયાંક બોલે તો? પરંતુ કલ્યાણકારી યોજનાઓની વાત કરીઃઆડકતરો ઇશારો

રાજકોટ તા.૮: પૂ.મોરારીબાપુના વ્યાસાસને આયોજીત રામકથામા આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે પૂ.મોરારીબાપુએ કહ્યુ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇએ લલ્લુભાઇ આરોગ્ય મંદિર ખાતે મહિલાને બાળકીનો જન્મ થતા ચાંદીનો સિક્કો અર્પણ કરવાની પરંપરા નીભાવી હતી. તેથી કહી શકાય કે અમે બે દિવસ પહેલા ભગવાન શ્રીરામનો જન્મ ઉજવ્યો. અને તમે સીતાના જન્મના વધામણા કર્યા છે.

પૂ.મોરારીબાપુએ વધુમા જણાવ્યુ કે, રાજય સરકાર વિવિધ યોજનાઓના સંગાથે કરિયાવર કરતી રહે. તેવી હનુમાનજીને પ્રાર્થના.પૂ.મોરારીબાપુએ કહ્યુ કે વિજયભાઇ સાવરકુંડલાના આરોગ્ય મંદિર માટે  કયાંક  બોલે તો? પરંતુ તેઓેએ સાવરકંડલામા માટે નહી પરંતુ રાજય સરકાર દ્વારા સંચાલીત  લોક કલ્યાણ કારી યોજનાઓ વિશે વાત કરી હતી.

(7:00 pm IST)