Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

જામનગર જિલ્લામાં પાલિકાની ચૂંટણીના મત ગણતરી કેન્દ્રોમાં ઇલેકટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ ઉપર પ્રતિબંધ

જામનગર તા. ૮ : ચુંટણી યોજાનાર નગરપાલીકાઓના મત ગણતરી કેન્દ્રના બિલ્ડીંગ તેમજ કમ્પાઉન્ડના વિસ્તારમાં તા.૧૯ના રોજ સવારના ૬ કલાકથી મતગણતરી પુરી થાય ત્યાં સુધી કોઇપણ મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર તેમજ પાન, મસાલા, ગુટખા અને ધુમ્રપાન કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.આર.કેલૈયા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ પ્રતિબંધ ફરમાવેલ છે.

સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનિક ઉપકરણો લાવવા અંગે સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ સરકારી કામમાં હોય તેવી વ્યકિતઓને, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીશ્રીએ અને જીલ્લા મ્યુનિસિપલ ચુંટણી અધિકારીશ્રી, ચુંટણી અધિકારીશ્રી, અગર સંબંધિત મદદનિશ ચૂંટણી અધિકારીશ્રીએ અધિકૃત કરેલ વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંદ્યન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલ મત ગણતરી સ્થળ ખાતે ૨૦૦ મીટરની ત્રીજયાના વિસ્તારમાં તા.૧૯/૦૨/૨૦૧૮ના રોજ  સવારના ૬ થી ૨૪ કલાક સુધી ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઇએ ભરવા, બોલાવવા, સરઘસ કાઢવા કે એકઠા થવા પર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.આર.કેલૈયાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામુ બહાર પાડેલ છે.(૨૧.૩૪)

(9:33 am IST)