Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2024

કેશોદમાં ૨૫ લાખની સિંગદાણાની છેતરપીંડી કરી રાજકોટ યાર્ડમાં વેચવા જનારા હિંમતનગરના ત્રણ શખ્‍સો ઝડપાયા

(કમલેશ જોષી દ્વારા) કેશોદ, તા.૮: સોદરડા ઉદ્યોગનગરમા ભગવતી સિંગદાણાના મીલમાં ખેડૂતો ત્‍થા વેપારીઓ પાસેથી સિંગદાણા અને મગફળીની ખરીદી કરી વર્ગીકરણ કરી નિકાસનો પરવાનો ધરાવતાં ભગવતી નામે સીંગદાણાનું કારખાનું ધરાવતાં સુરેશભાઈ પરસોતમભાઇ સાવલીયાએ ગત તારીખ ૨૨/૧૨/૨૦૨૩ ના રોજ પોતાના કારખાનામાંથી કુલ ૫૦૦ કટા ૨૫ ટન સીગદાણાનો માલ કિમત રૂપિયા ૨૫,૪૬,૨૫૦/નો જથ્‍થો ટ્રક ડ્રાઈવર સંદીપ ઉર્ફે ભાણોનાઓને ભરાવી સોપેલ જે જથ્‍થો કેશોદ થી કચ્‍છ ભુજ મંદ્રા પોર્ટ ખાતે પહોંચાડવાનો હતો જે સિંગદાણાનો જથ્‍થો જણાવેલ જગ્‍યાએ સમયસર નહી પહોચતા સિંગદાણાના માલીકે ડ્રાઈવરનો સંપર્ક કરતાં ડ્રાઈવરે ગલા તલા કરી મોબાઈલ બંધ કરી દેતા ફરીયાદ આપતા ઈન્‍સપેકટર બી. બી. કોળીએ હેડ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, સંજયસિંહ કલ્‍યાણસિંહ ઝાલા, રોહિતભાઈ પટેલ દ્વારા તપાસ હાથ ધરી હતી.

બાતમી આધારે હિમતનગર તથા રાજકોટ ખાતે ટીમ મોકલતા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ કાવતરું રચી સદરહુ મુદ્દામાલ હીમતનગર ખાતે સોદો નહી થતા સિંગદાણાની ખોટી બીલટી બનાવી રાજકોટ માર્કેટીંગયાર્ડમાં સિંગદાણાનો જથ્‍થો વેચવા જતાં રાજકોટ થી જરૂરી કાર્યવાહી કરી કેશોદ પોલીસ સ્‍ટેશન ખાતે લાવવામાં આવેલાં જેમાં ગુન્‍હાની તપાસમાં પ્રથમ ત્રણ આરોપીઓ જેમા મકસુદ અબ્‍બાભાઈ મનસુરી રહે હીમતનગર, નજીમખાન કુદરખાન પઠાણ રહે. હિમતનગર , અયુબખાન શરીફખાન પઠાણ રહે હિમતનગરના ઓને મુદામાલ સાથે તારીખ ૨૯/૧૨/૨૦૨૩ના અટક કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં તારીખ ૩/૧/૨૦૨૪ સુધીના રીમાન્‍ડ મંજૂર કરવામાં આવેલ હતાં. રીમાન્‍ડ દરમ્‍યાન સીંગદાણાનો  જથ્‍થો લઈ જનાર ડ્રાઈવર ભીમાભાઈ બીજલભાઈ કરમટા રહેવાસી નખત્રાણા કચ્‍છ વાળાને તારીખ ૪/૧/૨૦૨૪ ના અટક કરી તારીખ ૮/૦૧/૨૦૨૪ સુધીના રીમાન્‍ડ મંજૂર કરવામાં આવતાં ગુનાના કામમાં ઉપયોગમા લેવામાં આવેલ ટ્રકની તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદ પોલીસ દ્વારા પકડાયેલા હિમતનગરના ત્રણેય આરોપીઓએ એડીશનલ સેશન્‍સ કોર્ટ કેશોદ ખાતે રેગ્‍યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા જેની સુનવણી દરમ્‍યાન સરકારી વકીલ પારેખ તથા પોલીસ ઈન્‍સપેકટર બી.બી. કોળીની ધારદાર રજુઆતના કારણે મજકુર  ત્રણેય આરોપીઓના રેગ્‍યુલર જામીનના મંજુર કરેલ છે અને આ ગુન્‍હામા સીંગદાણાની છેતરપિંડી કરનાર ગેંગને પકડી પાડી કેશોદ વિસ્‍તારમાં આવેલા ત્રણસો જેટલાં સિંગદાણાના કારખાનેદારોને ભવિષ્‍યમાં આવી ટોળકીનો ભોગ ન બનવું પડે એ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 વિદેશી દારૂનો જથ્‍થો જોનપુર ગામેથી બે આરાપી સાથે ઝડપી લીધો

કેશોદ પોલીસ દ્વારા શહેરના મુખ્‍ય માર્ગો પર ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્‍યારે પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી. અને કરણભાઈ હમીરભાઈ ભાટિયાને સંયુક્‍ત રાહે માહિતી મળી હતી કે કેશોદ તાલુકાનાં જોનપુર ગામે બે શખ્‍સો વિદેશી દારૂ વેચાણ કરી આર્થિક લાભ મેળવી રહ્યાં છે  ઈન્‍સપેકટર બી. બી. કોળી પોલીસ સબ ઈન્‍સપેકટર બી. કે. ચાવડા સહિત હેડ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી પોલીસ કોન્‍સ્‍ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ ભાટિયા, યશવંતસિહ યાદવ, વિનયસિહ સિસોદિયા, અજયસિંહ ચુડાસમા જોનપુર ગામે પહોંચી માહિતી વાળા મકાનનો દરવાજો ખુલ્લો હોય અંદર પ્રવેશ કરતાં બે શખ્‍સો નાસવાનો પ્રયાસ કરતાં કોર્ડન કરી પુછપરછ કરતાં પેટી પલંગમાં શણનાં ચાર કોથળામાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્‍ડની બોટલ નંગ ૧૭૯ કિમંત રૂપિયા ૪૧૬૦૦ કબજે કરી વિદેશી દારૂનો જથ્‍થો સાજીદભાઈ ઈકોવાળો રહેવાસી અગતરાય વાળાએ આપ્‍યો હોવાનું જણાવ્‍યું હતું અને કેશોદ પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઈન્‍સપેકટર બી. કે. ચાવડાએ હારૂનભાઈ ડાડાભાઈ દલ રહેવાસી જોનપુર અને રહીમ અબુભાઈ સોઢા રહેવાસી મોવાણા દરવાજા પાસે કેશોદની અટક કરી સાજીદભાઈ ઈકોવાળો રહેવાસી અગતરાય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

 બામણાંસા ગામેથી જુગારીઓને ઝડપી લીધા

બામણાંસા ગામે હાર્ડવેરની દુકાન સામે શેરીમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં હોય હેડ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, વિજયસિંહ સિસોદિયા, કરણભાઈ ભાટિયા, અજયસિંહ ચુડાસમાએ હરેશભાઈ કાળાભાઈ જોરા, અરવિંદભાઈ વલ્લભદાસ અગ્રાવત, સુરેશભાઈ રમેશભાઈ ગોરડ, રણછોડભાઈ અરજણભાઈ જેઠવા, રાજેન્‍દ્ર હરિશંકર જોષી ને રોકડ રૂપિયા ૩૩૧૦/- સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

(1:58 pm IST)