Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

પોરબંદરમાં કાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રમેશભાઇ ધડુકના હસ્તે ઉદ્ઘાટન કરાશેઃ બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે

પોરબંદર તા.૮:પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કાલે તા.૯ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેમાં દેશ વિદેશના પતંગબાજોના હાથેથી ચગતી પતંગોથી વાતાવરણ આનંદમયી બનશે.

હવાનો હાથ ઝીલીને આકાશમાં વિહરતી પતંગો નિહાળવા શહેરીજનો ઉમટી પડશે. ગાંધીભૂમિ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીયકક્ષાના પતંગ મહોત્સવનું ઉધ્દ્યાટન પોરબંદરના સાંસદશ્રી રમેશભાઇ ધડુકના હસ્તે કરાશે. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિલેષભાઇ મોરી, નગરપાલિકા પ્રમુખશ્રી અશોકભાઇ ભદ્રેચા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં પતંગ મહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્રારા યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટીને રંગબેરંગી બનેલા આકાશ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળવા ઉપસ્થિત રહેશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સંદર્ભે કલેકટરશ્રી ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ ટીમ પોરબંદર દ્રારા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામા આવી છે. શિયાળાના સવારની ઠંડી સૂકી હવા અને દ્યૂદ્યવતા સાગરની રમણીય લહેરો સાથે આકાશમા ચગતી પતંગો નિહાળવા શાળા, કોલેજોના વિધાર્થીઓ, શ્રમજીવીઓ, ખેડૂતો, નોકરીયાતો સહિત તમામ ઉત્સવપ્રેમી લોકો તા.૯ ના રોજ સવારે ૯ કલાકે ચોપાટી મેદાનમા હાજર રહીને પતંગબાજોના હાથે વિહરતી રંગ બે રંગી પતંગો નિહાળવા પહોચશે.

(11:58 am IST)