Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ધોળાદ્રી ગામના ખાડામાં સિંહબાળ ખાબકતા વન વિભાગે રેસ્કયુ કરી સિંહબાળ બચાવી માતા સાથે મીલન કરાવ્યું

 અમરેલી, તા. ૮ :. જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી નાગેશ્રી વિસ્તારમાં સિંહોનો દબદબો છે. અહીં મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ છે ત્યારે આજે ધોળાદ્રી ગામની સિમમાં આવેલ સરકારી પડતર જમીનમાં ૮ ફૂટના ખાડામાં ૭ માસનું સિંહબાળ ખાબકતા નાગેશ્રી ગામના પૂર્વ સરપંચ અને સિંહપ્રેમી અજયભાઈ વરૂ એ વનવિભાગને જાણ કરતા રાજુલા વનવિભાગ અને નાગેશ્રી રેસ્કયુ ટીમ તાત્કાલીક ધોળાદ્રી ગામ નજીક પહોંચી અને સિંહબાળનું રેસ્કયુ ઓપરેશન શરૂ કરી દીધુ ગણતરીની મિનીટોમાં સિંહબાળને ખાડામાંથી બહાર કાઢી સિંહ બાળને હેમખેમ રીતે બચાવી લીધુ હતું. જેમા રાજુલા વનવિભાગના દીલાભાઈ રાજ્યગુરૂ નાગેશ્રી રેસ્કયુ ટીમના વિજયભાઈ વરૂ, અજયભાઈ કોટીલા સહિત રાજુલા વનવિભાગ સ્ટાફને સિંહ બાળને બચાવી લેવામાં મોટી સફળતા મળી હતી. જો કે સિંહ બાળને પાંજરામાં પકડી તાત્કાલીક નાગેશ્રી વિસ્તારમાં તેમની માતા સાથે મીલન પણ કરાવી દીધુ હતું. સિંહ બાળને કોઈ અથવા તો બીમારી ન હતી જેથી તાત્કાલીક છોડી દેવામાં આવ્યુ હતું, પરંતુ પ્રથમ વખત વન વિભાગ દ્વારા તાત્કાલીક બચાવી લેતા સૌ કોઈ એ વન વિભાગની કામગીરીની સરાહના કરી હતી. સિંહ બાળનું માતા સાથે મિલન થતા સિંહ પરિવારમાં પણ ભારે ઉત્સાહ વધી ગયો હતો અન્ય ૩ બચ્ચા પણ નાગેશ્રી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યુ હતુ. આ વિસ્તારમાં સિંહોનો દબદબો દિવસે દિવસે વધી રહ્યો છે તેની સામે વનવિભાગ પણ હવે હરકતમાં આવી ગયુ છે જો કે અહી નાગેશ્રી વિસ્તારના સિંહ પ્રેમી અજયભાઈ વરૂએ જણાવ્યુ હતુ મેં વનવિભાગને જાણ કરી એટલે તાત્કાલીક અહીં આવી જઈને સિંહબાળને બચાવી તેમની માતા સાથે મિલન પણ તાત્કાલીક કરાવી દીધુ હતું.

(3:51 pm IST)