Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

યોગ એ જ્ઞાન અને વિજ્ઞાન છે, જેનાથી મનુષ્યની શારીરિક અને માનસિક સંતુલિતા જળવાય છેઃ રાજ્યપાલ ઓ.પી.કોહલી

ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી યોગનો વધુ પ્રચાર કરવા આઇ.કે.જાડેજાનો અનુરોધઃ સુરેન્દ્રનગરના લીંબડીમાં વિશ્વની એકમાત્ર યોગ યુનિવર્સિટીનો પહેલો પદવીદાન સમારોહ યોજાયો

વઢવાણ - સુરેન્દ્રનગર તા. ૯ : રાજયપાલ શ્રી ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, યોગ વિદ્યાએ ભારતે વિશ્વને આપેલી શ્રેષ્ઠ ભેટ છે. આ યોગ જ્ઞાન અને વિજ્ઞાન છે. જેનાથી મનુષ્યની શારીરિક અને માનસિક સંતુલિતા જળવાઈ  રહે છે અને સમગ્ર શરીર તથા મનમાં હકારાત્મક વિચારો ઉભા કરવામાં મદદ કરે છે.

 

વિશ્વની એકમાત્ર યોગનું શિક્ષણ આપતી લકુલીશ યોગ યુનિવર્સિટી અમદાવાદનો, રાજરાજેશ્વરી ધામ જાખણ, તાલુકો લીંબડી ખાતે યોજાયેલા પહેલા પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને ડિગ્રી એનાયત કર્યા બાદ રાજયપાલશ્રી એ ઉપર મુજબ જણાવ્યું હતું.

રાજયપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે મોટાભાગની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને માત્ર પૈસા કમાવવાની તાલીમ અને ડિગ્રી આપે છે, તેની સામે વિદ્યાર્થીઓને કેરેકટર, કલ્ચરલ અને કોઈનની  તાલીમ આપતી આ યુનિવર્સિટી સમાજને એક નવો રાહ ચિંધે છે, જે સમગ્ર દેશ માટે ગૌરવરૂપ છે.

પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શ્રી કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, અંગ્રેજોના શાસન પછી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ જેવા સમાજ સુધારકોએ ભારતીય પરંપરા જીવંત રાખવાના જે પ્રયાસો આદર્યા હતા તે ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું મુલ્ય જાળવવા વિદ્યાર્થીઓએ સહયોગ આપવો જોઈએ

લાઈફ મીશનના પ્રમુખ અને સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, યોગ યુનિવર્સિટીના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે, તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી આ વિરાટ કાર્ય શકય બન્યું છે.

યોગ અંગેના જ્ઞાનનો પ્રચાર આજે ખુબ થયો છે. તેનાથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ યુનિવર્સિટીની ઓળખ બની છે. યુ.એન.એ.ના પ્રસ્તાવમાં ૧૭૫ દેશોએ યોગનું મહત્વ સ્વીકાર્યું છે અને ૨૧ મી જુન યોગ દીન તરીકે ઉજવાઈ રહયો છે, તે ગુજરાતને આભારી છે તેમ પણ શ્રી જાડેજાએ વધુમાં  જણાવ્યું હતું.

સંસ્થાના ઉપપ્રમુખ મુકેશભાઈ શાહે દેશની એક માત્ર યોગા યુનિવર્સિટી સમગ્ર દેશનું ગૌરવ સમાન હોવાનું જણાવીને કહયું હતું કે, ૨૦૧૩માં આ યુનિવર્સિટીની શરૂઆત થઈ હતી. જેની ખ્યાતિ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે અને યોગનું શિક્ષણ આપતી એક માત્ર સંસ્થા દેશનું અને ગુજરાતનું ગૌરવ બની રહી છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીમાં હાલ કર્મયોગ, ભકિતયોગ અને અષ્ટાંગ યોગના કોર્ષ ચાલી રહયા છે. જેમાં ૩૦૦ થી પણ વધુ વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહયા છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા જીવંત રાખતી આ યોગ યુનિવર્સિટીના તાલીમી કોર્ષમાં દેશ-વિદેશની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ લઈ રહયા છે એમ શ્રી શાહે જણાવ્યું હતું.

સંસ્થાના પ્રમુખ ડો. દિનેશભાઈ અમીને પ્રાસંગિક પ્રવચનમાં ગોલ્ડ મેળવનાર અને ઉર્તિણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભારતીય પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતું શિક્ષણ સમાજના ઉપયોગ માટે આ સંસ્થા આપે છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર ઉદ્દીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલ, યોગ યુનિવર્સિટીના હોદ્દેદારો, આમંત્રિતો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. આભારવિધિ રજીસ્ટ્રાર ઓ.ટી. દવેએ કરી હતી.

(1:14 pm IST)