Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

તળાજાના દિહોરમાં અનીલ કોળીની હથિયારોના ઘા ઝીંકીને હત્યા

મૃતદેહ સળગાવવાનો અજાણ્યા શખ્સો દ્વારા પ્રયાસઃ મોબાઇલના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ

ભાવનગર તા. ૮ : તળાજાના દિહોર ગામના યુવાનની ગામની જ મુખ્યબજારમાં મોડીરાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી છે. હત્યારાઓએ લાશને બાળવાનો પ્રયાસ કર્યો હતો. સવારે ૬ વાગ્યે ગામના લોકો બજારમાં નિકળતા સરપંચને જાણ કરતા સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. હત્યારાઓની ઓળખ મોબાઇલ ફોન પર આવેલ ફોનને લઇ થવાની શકયતા જોવાઇ રહી છે.

 

તળાજા પંથકમાં ચકચાર મચાવતા હત્યાના બનાવની મળતી વિગતો અનુસાર આજે સવારના છ વાગ્યાના અરસામાં તાલુકાના દિહોર ગામની બજારમાં યુવાનની લોહી લુહાણ હાલતે લાશ લોકોની નજરે પડી હતી. ગામની મુખ્યબજારમાં લાશ જોવા મળ્યાના વાવડે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

આ બાબતની જાણ પોલીસને થતાં બીટના ગોવિંદસિંહ સહિતનો કાફલો દોડી ગયો હતો. મૃતકની ઓળખ ગામના અનિલ મનુભાઇ બારૈયા (જાતે કોળી, ઉ.વ.૨૨) થઇ હતી. મૃતક ગામના શિક્ષક સુંદરજી પનોતની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. મોડીરાત્રે તે વાડીમાં પાણી વાળવાનું કામ કરતો હતો. રાત્રીના આશરે બારેક વાગ્યાના અરસામાં ફોન આવતા તે શિક્ષકની બાઇક લઇને ગામમાં ગયો હતો.

ગામમાં થતી ચર્ચા પ્રમાણે યુવાન બાઇક લઇને નીકળ્યો હોઇ ત્યારે સંતાઇને ઉભેલા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારોના ઉપરા-ઉપરી ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું. હુમલાનો ભોગના પગલે યુવાને ભાગવાની કોશિષ કરી હતી પરંતુ તેમને બજારમાં પણ ઢસડવામાં આવ્યો હતો. દુકાન બહાર છાપા માટે ઉભા કરેલ મંડપ પણ પડી ગયા હતા. હત્યા કરીને મૃતકને જવલનશીલ પદાર્થથી બાળવાની કોશિષ કરવામાં આવી હતી.

હત્યારાઓ બજાર અને મૃતકથી જાણકાર હોય તથા મૃતક હમણા નિકળવાનો હોવાની તેમને ખબર હોઇ આથી રાહ જોઇને પૂર્વ પ્લાન મુજબ જ ઢીમ ઢાળી દીધું હોવું જોઇએ. મૃતકના મોબાઇલમાં આવેલ અને થયેલ ફોન નંબરના આધારે હત્યારાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને જાજી વાર નહીં લાગે તેમ માનવામાં આવે છે.

(11:53 am IST)