Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

તબીબી સેવા માટે દેહ આપ્યો દાનમાં, પણ એને ભુજની મેડિકલ કોલેજમાં જગ્યા ન મળી

કાકાની અંતિમ ઇચ્છા પૂરી કરવા ભત્રીજાએ મૃતદેહ રાજકોટ પહોંચાડવો પડયો

મુંબઇ,  તા. ૮ : સમગ્ર વિશ્વની સાથોસાથ ભારતમાં પણ દેહદાનનું મહત્વ વધતું જાય છે. તબીબી જગત અને ભવિષ્યના તબીબો માટે ઉપયોગી થઇ પડવા મૃત્યુ બાદ પોતાના દેહનું દાન કરનારાઓની સંખ્યા વધી જાય છે, પણ કચ્છમાં અતિશય ક્ષોભનીય બાબત એ બહાર આવી કે મૃત્યુ બાદ પોતાના દેહનું દાન દેનારા સાચા અર્થના દાનવીરના દેહ માટે ભુજની ગુજરાત ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સિસ સંચાલીત મેડીકલ કોલેજમાં એ માટે જગ્યા જ નથી.

 

બન્યું એવું કે શનિવારે જુની પેઢીના પત્રકાર અને કચ્છના અંતરિયાળ દુર્ગમ વિસ્તારોમાં ૧૯૮૦ના દાયકાથી તબીબી મધુરમ ટ્રસ્ટ સ્થાપના હેતુથી સ્થપાયેલા મધુરમ ટ્રસ્ટના સ્થાપક ભુજના ૮ર વર્ષના રાજેન્દ્ર કૃષ્ણલાલ વૈદ્યનું ટુંકી માંદગી બાદ અવસાન થયું હતું. રાજેન્દ્ર ઉર્ફે બૈજુએ મૃત્યુ બાદ પોતાના દેહનું દાન કરવાની ઇચ્છા વ્યકત કરી હતી એથી તેમના પરિવારજનોએ ભુજની અદાણી મેડીકલ કોલેજમાં દેહદાન માટે રૂબરૂ જઇને સંપર્ક કર્યો હતો. એકાદ-બે કલાક આમ તેમ દોડાદોડ કર્યા બાદ હોસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું હતું કે અહીં જગ્યા નથી. તમારે જો દેહદાન કરવું હોય તો એ માત્ર રાજકોટ કે પાટણમાં જ શકય બનશે. જો વધુ સમય વ્યર્થ થાય તો મૃતદેહ ડી-કમ્પોઝડ થઇ જાય છે એવું જાણતા હોવા છતાં તેણે ઠંડા કલેજે આવો જવાબ આપી દીધો હતો. જોકે રાજેન્દ્રભાઇના નાના ભાઇ દિલીપ વૈદ્ય અને તેમના તબીબ પુત્ર નેહલે કોઇપણ સંજોગમાં બૈજુની અંતિમ ઇચ્છા પૂરી કરવાનો નિર્ધાર કર્યો હતો અને મૃતદેહને પોતાના વાહનમાં જાતે જ હંકારીને રાજકોટની મેડીકલ કોલેજ સુધી પહોંચાડયો હતો.

ઉલ્લેખનીય છે કે અન્ય દેશોની જેમ ભારતમાં પણ છેક ૧૯૪૮થી એનેટોમી એકટ ૧૯૪૮ પસાર કરાયા બાદ દેહદાનની પ્રદ્ધતિ અમલમાં છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન જયોતિ બાસુ અને જનસંઘના અગ્રણી નાનાજી દેશમુખ જેવા નેતાઓએ પણ પોતાના દેહનું દાન કર્યું હતું. ત્યારે કચ્છમાં વિકાસની શેખી વચ્ચે સ્થાનિક ધારાસભ્ય કે સંસદસભ્ય દેહદાન કરનારા પુણ્યશાળી આત્માના મૃતદેહને ભુજની તબીબી હોસ્પિટલ ન સ્વીકારે તો એને સમયસર અન્યત્ર મોકલવાની વ્યવસ્થા ન કરાવી શકે ?

સાધનસંપન્ન પરિવારે તો દેહદાનમાં અપાયેલા પોતાના વહાલસોયા સ્વજનના મૃતદેહને પોતાના ખર્ચે નિર્ધારીત જગ્યાએ નિર્ધારીત સમયે પહોંચાડી દીધો, પરંતુ અન્ય પરિવારજનોનું શું ? આવી પરિસ્થિતિમાં તો લોકો દેહદાન કરવાની ભાવનાથી જ દૂર થઇ જશે.

(10:46 am IST)