Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

કુંકાવાવમાં ભાગવત કથા-નવી હવેલીનો પાટોત્સવ

 કુંકાવાવ : નવી શ્રીનાથજી હવેલીનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેના સંદર્ભે માં સાત દિવસની ભાગવત કથાનું પણ અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ભગવાન પુરૂષોતમના આ પ્રતિષ્ઠા મહોત્સવને ગ્રામજનો હોંશથી વધાવી રહ્યા છે. ભાગવત વચનામૃત (સપ્તાહ) ના વકતા જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટયપીઠ ગૃહાધિપતી પુ. પા. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ સંગીતના સ્વરો સાથે ભાગવત કથાના અમૃતબિંદુ શ્રોતાજનોને પીરસી રહ્યા છે. તા. ૧૦ સુધીમાં ભાગવતજીમાં અવતારો, સ્કંઘ, ક્રિષ્નલીલા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરીત સહિતની કથાનું નિરૂપણ કરવામાં આવશે. સાથે રાત્રીના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કાન-ગોપી, ધુન-પ્રોગ્રામ, ઢાઢી લીલા, તા.૮-૧ ના લોકડાયરાનું ભવ્ય આયોજન કરાયુ છે. નયનરમ્ય રંગોળી, પાકા પેઇન્ટ કલર, આસોપાલવના તોરણો, સ્ફટીકના ઝૂંમર, ફુલોના તોરણ વગેરેથી વહેપારી વર્ગ, શહેરીજનો સજાવી રહ્યા છે.  તો ગામના મુખ્ય રસ્તા પર અબિલ ગુલાબ ઝરી, મોતી, સતારી, ચોખા-ઘઉં વગેરેના સ્વસ્તીકો આગંતુક લોકોના મન મોહી લ્યે છે. દિપાવલીના પર્વથી પણ વિશેષ હાલમાં કુંકાવાવ નગર દેખાય રહ્યું છે. તો યુવાધન પણ ભગવાનની પ્રતિષ્ઠામાં આગવી વ્યવસ્થા કરતુ નજરે પડે છે. હાલના મહોત્સવમાં કુંકાવાવ ગામની એક મુલાકાત જીવનની યાદગાર પલ બની રહે  તેવા દ્રશ્ય સર્જાય સહુના મન મોહી લ્યે તેવા છે. તો કથાનું શ્રવણ કરવા આજુબાજુના ગ્રામજનો તેમજ શહેરમાં વસતા લોકો પોતાના ગામના આવા દિવ્ય ઉત્સવને માણવા પધારી રહ્યા છે. તેમજ ગામના સુંદર વાતાવરણને નયનમાં વસાવી ધન્યતા અનુભવી રહ્યા છે.  (તસ્વીર - અહેવાલ : નિરવ ચાવડા-કુંકાવાવ)

(10:45 am IST)