Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ખંભાળીયામાં વિચિત્ર મતગણતરી સ્થળથી આસપાસના રહીશો પરેશાન !

તંત્ર સજ્જ : રીહર્સલ : કડક બંદોબસ્તઃ SNDT શાળા આસપાસ વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૭ : દેવભુમી દ્વારકા જીલ્લાના વહીવટી  તંત્ર દ્વારા પ્રથમ વખત જીલ્લાની બન્ને બેઠકો માટેનું મત ગણતરી સ્થળ ખંભાળીયા શહેરમાં આજુ બાજુ સોસાયટીના મકાનોથી ઘેરાયેલા એલ.એન.ડી.ટી. બિલ્ડીંગમાં રાખવામાં આવતા વિચિત્ર સ્થળ હોય સોસાયટી રહીશો સાથે છાત્રો પણ પરેશાનીમાં મુકાયા છે.

પ્રાથમીક, માધ્યમીક, ઉ.માધ્યમીક તથા કોલેજ સાથેની આ સંસ્થામાં મત ગણતરી હોય તથા ત્યાં ઇવીએમ મશીનો મુકાતા દિવસોથી છાત્રોનું શિક્ષણકાર્ય બંધ છે તો અહી મત ગણતરીને કારણે રસ્તા પર પ્રતિબંધ પાર્કીગ પર પ્રતિબંધ  તથા ચુંટણી પરીણામો હોય હજારો લોકોના ટોળા બન્ને વિધાનસભાની ગણતરી હોય ઉમટે તેમ હોય સ્થાનીક રહીશોમાં ભારે રોષ પણ ફેલાયો છે તો ગણતરી ચાલુ થતા કોઇને ઘેર જવુ હોય તો પણ મુશ્કેલી ઉભી થાય તેવું છે. અગાઉ આઇટીઆઇ  જી.વી.જે. હાઇસ્કુલ, આદર્શ સ્કુલ જેવા સ્થળે કે ગામથી દુર રહેણાંક મકાનોથી દુર ગણતરી રખાતી તેના બદલે ગામની મધ્યમાં રખાતા ભારે રોષ પણ ફેલાયો છે.

દેભુમી  દ્વારકા જીલ્લામાં ખંભાળીયા તથા દ્વારકા વિધાનસભાની ચુંટણીની મત ગણતરી માટે જીલ્લા કલેકટર તથા જીલ્લા મુખ ચુંટણી અધિકારી એમ.એ.પંડયા તથા નાયબ જીલ્લા ચુંટણી અધિકારી આસ્થા ડાંગરના માર્ગદર્શન હેઠળ દ્વારકા બેઠકના ચુંટણી અધિકારી ડે. કલેકટર પાર્થ તલસાણીયા તથા ડે.કલેકટર તથા અધિકારી પાર્થ કોટડીયા દ્વારા તમામ વ્યવસ્થા પુર્ણ કરવામાં આવી હતી.

દ્વારકા વિધાનસભામાં ૩૧૭ મતદાન બુથો તથા ખંભાળીયા વિધાનસભામાં ૩૩પ બુથો પર મતદાન થયું છે. બન્ને વિધાનસભામાં કુલ ૧૩ ટેબલો તથા એક વધારાનું એકમ ૧૪ ટેબલો પર રાઉન્ડ વાઇઝ મતદાન થશે. તથા ખંભાળીયામાં ર૪ રાઉન્ડ તથા દ્વારકામાં ર૩ રાઉન્ડ થશે.

મતદાન ટેબલ પર સુપરવાઇઝર, મદદનીશ અને માઇક્રો ઓબર્ઝવરની વ્યવસ્થા થઇ છે તથા રાઉન્ડ વાઇઝ આંકડાઓ પણ જાહેર કરવામાં આવશે.

પોલીસ વડા નીતેશકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા પો. ઇ. ડી. એમ. ઝાલા તથા જિલ્લાના પોલીસ સ્ટાફ દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે.

નો-પાર્કીંગ ઝોન, પ્રતિબંધિત રસ્તા તથા વૈકલ્પીક માર્ગોના અમલ માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઇ છે તથા પરિણામો જાહેર થયા પછી હારજીત થનાર પક્ષના કાર્યકરો તથા ઉપસ્થિત હજારોની મેદનીમાં કંઇ ઘર્ષણના થાય તે માટે ચુસ્ત હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે એસ.આર.પી. જવાનોને પણ મુકવામાં આવ્યા છે એલ.એન.ડી.ટી. જતાં રસ્તાના તમામ પ્રવેશ દ્વારો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે સાથો સાથ પહેલી વાર રહેણાંક વિસ્તારોની વચ્ચે આવેલ શાળામાં મત ગણતરી થતી હોય સ્થાનિક લોકોને પરેશાની ના થાય તે માટે ખાસ વ્યવસ્થા પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

એલ.એન.ડી.ટી. શાળા બિલ્ડીંગની બાજુમાં રસ્તા પડતા હોય ગઇકાલે અધિક કલેકટર જોટાણીયાએ જાહેરનામું બહાર પાડી પાર્કીંગ ઝોન તથા રસ્તા પ્રતિબંધ જાહેર કર્યા હતાં.

રામનાથ સોસાયટીમાં સવજી બથીયા ચોકથી પોટનાકા તથા જોધપુર નાકા પાસે  ઠકકર વીળા સુધીનો રસ્તો પ્રતિબંધિત રહેશે વૈકલ્પીક તરીકે બથીયા ચોકથી રાવળીયા પાડો તા. પં. પાસેથી જઇ શકાશે. નવચેતન સ્કૂલથી પોટનાકા તથા ઠકકર વીળા સુધી રામનાથ સોસાયટીના રહીશો સીવાય તમામ વાહનો પર પ્રતિબંધ રહેશે તથા નવચેતનથી કણઝાર હોટલ ખામનાથ પૂલ થઇ જોબન ચાર રસ્તાથી જોધપુર ગેઇટ જઇ શકાશે. આ નિયમો ચૂંટણી પ્રક્રિયા સાથે રોકાયેલા ને નહીં લાગું પડે.

પાર્કીગ ઝોન જાહેર કરાયા

અધિક કલેકટર દ્વારા પાર્કીંગ ઝોન તથા નો પાર્કીંગ ઝોન પણ જાહેર કરાયા હતા જેમાં સરકારી અધિકારી ઉમેદવારો માટે શાળા સામે ખુલ્લા પ્લોટમાં કર્મચારી એજન્ટો પત્રકારો માટે નર્મદેશ્વર મહાદેવ પાસે જનરલ પાર્કીંગ ગોંધીયા કોલેજ તથા રામનાથ  મંદિર પાસે રખાયું છે. ઠકકર વીલાથી બથીયા ચોક તથા એસ. એન. ડી. ટી. શાળા પાસે પોટ ગેઇટ પાકીંગ પ્રતિબંધિત વિસ્તાર જાહેર થયો છે.

(1:59 pm IST)