Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

જસદણ બેઠકની મતગણતરી રાજકોટ ખાતે ૧૯ રાઉન્‍ડમાં યોજાશે

 (ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૭ : જસદણ વિધાનસભા બેઠક માટે મતગણતરી આવતીકાલ તારીખ ૮ને ગુરૂવારે સવારે આઠ કલાકે કણકોટ એન્‍જિનિયરિંગ કોલેજ રાજકોટના આઇસી બિલ્‍ડિંગના પહેલા માળે યોજાશે. જસદણ બેઠક માટે કુલ ૧૯ રાઉન્‍ડમાં મત ગણતરી યોજાશે. એક સાથે કુલ ૧૪ ટેબલ ઉપર  મતગણતરી શરૂ થશે. જસદણ વિધાનસભા બેઠક માટે નોંધાયેલા ૧,૩૪,૦૩૩ પુરૂષ તથા ૧,૨૨,૩૧૨સ્ત્રી મતદારો મળી કુલ ૨,૫૬,૩૪૫ મતદારો પૈકી ૯૦૧૧૩  પુરૂષ મતદારો તથા  ૬૯૭૦૬ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૫૯,૮૧૯ મતદારોએ મતદાન કરતા સરેરાશ ૬૨.૩૫  ટકા મતદાન નોંધાયું હતું. જસદણ બેઠકના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ, નાયબ ચૂંટણી અધિકારી સંજયસિંહ  અસવાર, નાયબ મામલતદારો બી.એચ. કાછડીયા, દિનેશભાઈ આચાર્ય, રાજાવડલાભાઈ સહિતની જસદણ ચૂંટણી તંત્રની ટીમ દ્વારા મતગણતરી માટે કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્‍યો છે. જસદણ બેઠક માટે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા તેમજ કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરા સહિતના કુલ પાંચ ઉમેદવારો હું ભાવિ કાલે એવી એમાંથી ખુલશે. જસદણ બેઠકની મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થતાની સાથે જસદણ પંથકમાં એક નવો જ રાજકીય યુગ શરૂ થશે. બીજી બાજુ જસદણ બેઠકના પરિણામ બાદ ભાજપમાં આંતરવિગ્રહ ચરમશીમાએ પહોંચશે અને નવી સરકારની રચના બાદ જસદણ ભાજપના બંને જૂથ દ્વારા પ્રદેશ ભાજપ સુધી એકબીજા વિરોધની ફરિયાદોનો દોર શરૂ થવાની રાજકીય ચર્ચા જાગી છે.

(11:36 am IST)