Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

જસદણ - ગોંડલ - સુરેન્દ્રનગરમાં કોવિડ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ

હોસ્પિટલ તંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ 'સ્ટેન્ડ-ટુ' છે કે નહી? તેની ચકાસણી કરાઇ

તસ્વીરોમાં ગોંડલ, સુરેન્દ્રનગર અને જસદણમાં મોકડ્રીલ યોજાઇ તે નજરે પડે છે(તસ્વીરઃ ભાવેશ ભોજાણી (ગોંડલ) ફઝલ ચૌહાણ (વઢવાણ) હુસામુદીન કપાસી (જસદણ)

રાજકોટ, તા.૭: રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા જસદણ- ગોંડલ- સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં તંત્ર કેવુક સજ્જ છે? તે જોવા માટે મોકડ્રીલ યોજાઇ હતી.

જેમાં હોસ્પિટલ તંત્ર પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડની ટીમ 'સ્ટેન્ડ ટુ' છે કે નહી? તેની ચકાસણી કરાઇ હતી?

 જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા)જસદણ સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો આ અંગે સામાજિક કાર્યકર પટેલ હરિભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે રવિવાર રજાનો દિવસ હોય અને સાંજે પોલીસની બે જીપ પોલીસ સ્ટેશનથી સરકારી હોસ્પિટલમાં સ્પીડ સાથે ઘસી જતા પ્રથમ તો એવું લાગ્યું કે શહેરમાં મોટી ઘટના ઘટી છે પણ પછી જાણવા મળ્યું કે મોકડ્રિલ હતી આ મોકડ્રિલમાં ફાયર વિભાગ પોલીસ આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં આ ઘટનાએ શહેરમાં ભારે કુતુહલ જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે સરકારી કોવિડ હોસ્પિટલમાં બીજા રવિવારે પણ આગની મોકડ્રિલ યોજાય હતી.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ તેમજ સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ (ટી.બી.હોસ્પીટલ)માં મોકડ્રીલ યોજાઈ હતી.

જેમાં શહેરના દુધરેજ રોડ પર આવેલ સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલમાં કાર્યરત કોવીડ હોસ્પીટલ સહિતના તમામ અધિકારીઓ, નર્સીંગ સ્ટાફ, સીકયોરીટી સ્ટાફ, સફાઈ કર્મચારી, ઈલેકટ્રીક વિભાગના કર્મચારી સહિત સીટી પોલીસ મથકના અધિકારીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને ફાયર વિશેની તમામ જાણકારી આપવામાં આવી હતી. જયારે શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ ખાતે પણ સુરેન્દ્રનગર પાલિકાના વહિવટદાર અનીલકુમાર ગોસ્વામી તેમજ ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાની સુચનાથી ફાયર વિભાગનાં સ્ટાફે હોસ્પીટલમાં જઈ મોકડ્રીલ યોજી હતી અને હોસ્પીટલનાં કર્મચારીઓને ફાયર સેફટીની ટ્રેનીંગ આપવામાં આવી હતી તેમજ હોસ્પીટલમાં અચાનક આગ લાગે ત્યારે આપાતકાલીન સમયે કેવી રીતે આગ પર કાબુ મેળવવો તેનું ડેમોસ્ટ્રેશન કરી સમજણ આપવામાં આવી હતી.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.પરમાર સહિત સીવીલ સર્જન હરેશ વસેટીયન તેમજ હોસ્પીટલનો સ્ટાફ, નસીંગ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યો હતો. જયારે પાલિકાની ફાયર ફાયટર ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જય રાવલ, શકિતસિંહ પરમાર, રાહુલ ડોડીયા સહિતનાઓએ ફાયર સેફટી અંગેની ટ્રેનીંગ તેમજ જાણકારી આપી હતી.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ માં આંખ વિભાગ ના ઓપરેશન થિએટર રૂમ પાસે આવેલ ગેલેરી માં આગ લાગી હતી બનાવ ની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકા ફાયર ટીમ દ્યટના સ્થળે પોહચી ૧૦ મિનિટ માં જ આગ પર કાબુ મેળવ્યો હતો.બ્રાન્ચ ઓફિસર સુરેશભાઈ મોવલિયા સહિત નો ફાયર સ્ટાફ ફાયર ના ઈમરજન્સી વાહન ના કાફલા સાથે દ્યટના સ્થળે પોહચી ગયો હતો. આગની ઘટનાને લઈ ગોંડલ સિટી પોલીસ પી.આઈ એસ.એમ.જાડેજા તેમજ પી.એસ.આઈ ડી.પી.ઝાલા સહિત નો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.આગ ના બનાવ ના પગલે હોસ્પિટલમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.અંતે મોકડ્રિલ જાહેર થતા લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો.

(11:43 am IST)