Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ઘુટુ ગામે કોવિડ સેન્ટરમાંથી આરોપી ફરાર : સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરાનાના દર્દી વધ્યા

દ્વારકા જિલ્લામાં બે દિ'માં નવા ૮ કેસ નોંધાયા : બિન કોવિડમાં એક મોત અને એક ડિસ્ચાર્જ : કચ્છમાં નવા ૨૨ દર્દી સાથે ઉછાળો : કચ્છમાં ૬ દિ'માં ૧૩૮ દર્દી અને ૪ના મોત : ભાવનગરમાં ૨૬ કેસ

રાજકોટ તા. ૭ : સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કહેર યથાવત રહ્યો છે ત્યારે મોરબીના ઘુટુ ગામે કોવિડ સેન્ટરમાંથી કોરોનાગ્રસ્ત આરોપી ફરાર થઇ ગયો છે તો કચ્છમાં છ દિ'માં ૧૩૮ દર્દી નોંધાયા છે અને ૬ દિ'માં ૪ના મોત થયા છે. બીજી તરફ કચ્છમાં નવા ૨૨, ભાવનગર-૨૬, દ્વારકા જિલ્લામાં ૮ નવા કેસ નોંધાવા પામ્યા છે.

પોલીસે ગુન્હો દાખલ કર્યો

મોરબીમાં ઘુંટૂ ગામ નજીક તંત્ર દ્વારા કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જયાં કોરોનાગ્રસ્ત આરોપી સારવાર માટે રાખવામાં આવ્યો હોય જે ફરાર ગઈકાલે થયો હતો. ઘટનાની જાણ થતા સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓએ તુરંત આરોગ્ય તંત્રને અને પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા શહેર અને જીલ્લામાં નાકાબંધી કરી છે.તો આ મામલે હીનાબેન રાજેશભાઈ ગોહિલએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પ્રશાંત વ્રજલાલભાઈ કોડીનારિયા પોલીસ કસ્ટડીમાં લેતા પહેલા આરોપીનો કોરોના બાબતેનો રીપોર્ટ કરાવતા આરોપી પ્રશાંતનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોપીને કોરોનાની સારવાર માટે મોરબી તાલુકાના ઘુટુ ગામે આવેલ એલઈપોલીટેકનીકલ કોલેજમાં કોરોના કોવીડ કોરોન્ટાઈન સેન્ટરમાં પહલે માળે દાખલ કરેલ ત્યારપછી આ આરોપી પ્રશાંત ચોક્કસ પણે જાણતો હોય કે પોતાને સારવાર પૂરી થયા બાદ પોલીસ અટકાયતમાં લેશે જેથી પોલીસ અટકાયતમાંથી બચી જવા માટે તેમજ સારવાર દરમિયાન કોવીડ-૧૯ સેન્ટરમાંથી નાશી ગયેલ તેમજ આરોપી પોતાના કોરોના બાબતેનો ટેસ્ટ પોઝીટીવ આવતા અને કોરોના રોગ બીજા વ્યકિતઓની જિંદગી માટે જોખમ કારક રોગ હોય અને પોતાનાથી બીજાને ચેપ લાગવાની પૂરી શકયતાઓ હોય તેવી જાણવા છતાં આરોપી પ્રશાંત કોડીનારિયાએ દ્રેષભાવથી નાશી ગયેલ હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો તાલુકા પોલીસે આઈપીસી ૨૨૪, ૨૭૧, ૨૭૦, ૧૮૮ અને એપે ડેમિક એકટ કલમ ૩ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ નાસી ગયેલ આરોપી લગભગ ત્રણ દિવસ પહેલા જ ઝડપી પાડ્યો હોય અને તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને ઘુટુ ગામ નજીક આવેલ કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. જયાં થી તે ફરાર થતા પોલીસ કામે લાગી છે.

કચ્છમાં એકિટવ કેસ ૨૫૬ થયા

ભુજ : કચ્છમાં કોરોના મામલે નવેમ્બર કરતાં ડિસેમ્બરની શરૂઆત આકરી રહી છે. નવા ૨૨ કેસ સાથે એકિટવ કેસ વધીને ૨૫૬ થયા છે. જયારે છેલ્લા ૬ દિવસની વાત કરીએ તો ડિસેમ્બર ૧ થી ૬ તારીખ સુધીમાં કોરોના ના કેસ ૧૩૮ અને મોત ૪ નોંધાયા છે. જે ગત નવેમ્બર માસ કરતાં વધુ છે. જોકે, તેમ છતાંયે આંકડાઓની લુકાછુપી તો ચાલુ જ છે. સરકારી ચોપડે અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો ૩૪૦૯ જયારે સાજા થનાર દર્દી ઓનો આંકડો ૩૦૩૬ થયો છે. સરકારી ચોપડે કુલ મૃતકોની સંખ્યા ૭૫ દર્શાવાય છે.

ભાવનગરમાં ૮૪ દર્દીઓ  સારવાર હેઠળ

ભાવનગર : જિલ્લામા ૨૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૩૪૮ થવા પામી છે. શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૪  સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૨, વલ્લભીપુર ખાતે ૧, સિહોર તાલુકાના દેવગાણા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, ગારીયાધાર તાલુકાના ગણેશગઢ ગામ ખાતે ૧ તથા તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકાના ૧૬ તેમજ તાલુકાઓના ૫ એમ કુલ ૨૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૩૪૮ કેસ પૈકી હાલ ૮૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૧૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

ખંભાળીયા

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિ-રવિ બે દિવસમાં સમગ્ર જિલ્લામાં માત્ર આઠ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શનિવારે ખંભાળીયામાં ચાર તથા દ્વારકામાં એક નોંધાયેલ. જ્યારે ડિસ્ચાર્જ એક પણ થયા ન હતા.

નવા કેસમાં બરછાશેરી ખંભાળીયા, શ્રીજી સોસાયટી ખંભાળીયા, બેડીયાવાડી ખંભાળીયા તથા વાડી વિસ્તાર ધોરીવાવ ધરમપુર તથા દ્વારકાના વટવાળા પોલીસ સ્ટેશનમાં નવા કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે ખંભાળીયામાં બે તથા ભાણવડમાં એક મળી ત્રણ કેસ નોંધાયા હતા તથા ખંભાળીયામાંથી એકને ડિસ્ચાર્જ કરાયો હતો.

કે.કે.એપાર્ટમેન્ટ યોગશ્વરનગર, શ્રીજી સોસાયટી ખંભાળીયા તથા ભાણવડમાં નોંધાયો હતો.

બીન કોવિડમાં મૃત્યુ ૬૨ હતા તેમાં એકનો વધારો થતાં ૬૩ થયા છે. જિલ્લામાં કોવિડ - બિનકોવિડ કુલ મૃત્યુ ૭૨ થયા છે. જ્યારે ૫૫ એકિટવ કેસ જિલ્લામાં છે.

(11:38 am IST)