Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સંસ્કૃતમાં પીએચડી કરનાર અમરેલી જિલ્લાની મુસ્લિમ વિદ્યાર્થીની સલમાને અભિનંદન પાઠવતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૭ : એક મુસ્લિમ વિદ્યાર્થિની અને તે સંસ્કૃતમાં પીએચડી કરે અને આ વિદ્યાર્થીનીનું રાજયના શિક્ષણમંત્રી બહુમાન કરે સંસ્કૃતમાં પીએચડી કરનાર વિદ્યાર્થીની માટે આનાથી વધુ બીજી સાર્થકતા શું હોઈ શકે?  અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઇંગોરાળા ગામની મુસ્લિમ વિદ્યાર્થીની સલમાએ સંસ્કૃતમાં પીએચડી કર્યું તે સમાચાર જાણીને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખૂબ જ આનંદની લાગણી વ્યકત કરીને ફોન કરી હૃદય પૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. શિક્ષણમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નીતિન પેથાણીને જણાવી યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય શ્રી ભરતભાઈ દ્વારા બુકે મોકલી હૃદયપૂર્વકના અભિનંદન શ્રી ચુડાસમાએ પાઠવ્યા હતા.

મુસ્લિમ વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવતા અને તેમણે સંસ્કૃતમાં પીએચડી કરવા બદલ ગૌરવની લાગણી અભિવ્યકત કરતા શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ૫૬ વર્ષમાં કોઈ પણ મુસ્લિમ સ્કોલરે સંસ્કૃતમાં પીએચડી કર્યાના સમાચાર પ્રસાર માધ્યમોમાં નથી જોયા. સંસ્કૃતિ, યોગ અને આયુર્વેદ કોઈ ધર્મ કે કોમનો વિષય નથી એ આ મુસ્લિમ દીકરીએ સાબિત કર્યું છે. સલમાબેનએ વેદ પુરાણમાં સૂચવેલી શિક્ષણ પદ્ઘતિમાં રસ અને શ્રદ્ઘા છે. સલમાબેનએ ગીતા અને જવાનો પણ શોખ છે એ સર્વધર્મ સમભાવનો પ્રેરક ઉદાહરણ છે. શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે આ દેશને હિંદુસ્તાન બોલવામાં શરમ અનુભવતા કટરવાદીઓ એ બહેન સલમા પાસેથી શીખ મેળવવાની જરૂર છે.

જયારે શિક્ષણમંત્રીશ્રીએ સલમાબેનને અભિનંદન પાઠવતો ફોન કર્યો ત્યારે આભારની લાગણી વ્યકત કરતા તેમણે શિક્ષણમંત્રીશ્રીને જણાવ્યું કે ૨૦૧૭માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં પ્રથમ આવવા બદલ શિક્ષણમંત્રી તરીકે આપે મારૂ સન્માન કર્યું હતું એ પણ મારા માટે ગૌરવની ઘટના હતી અને આજે પણ ટેલિફોનિક સંપર્ક કરીને આપે મને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા છે તે બદલ ગૌરવની લાગણી સાથે આભારની લાગણી વ્યકત કરૃં છું.

(11:48 am IST)