Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

'નવી દૃષ્ટિનું તેજ'અને લોકાર્પણના કાર્યક્રમો સંપન્ન : આઝાદી પુર્વેની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગરનું નજરાણુ

ભાવનગર તા.૭ : સમગ્ર વિશ્વમાં ૩જી ડીસેમ્બર વર્ષ ૧૯૯૨થી વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આઝાદી પૂર્વે સ્થપાયેલી ભાવનગરની  કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં રૂપિયા સવા કરોડનાં ખર્ચે નવનિર્મિત થયેલ ભવનનું તા.૦૩/૧૨/૨૦૨૦ ગુરુવારનાં રોજ ભાવનગર સ્ટેટ રાજવી પરિવારનાં યુવરાજ સાહેબ જયવિરરાજસિંહજી ગોહિલનાં વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું એટલું જ નહી આ પ્રસંગે તેમણે દીપપ્રાગટ્ય કરી નવી દૃષ્ટિનું તેજ વિશિષ્ટ પ્રદર્શન ખુલ્લું મુકયું હતું.

વર્ષ ૨૦૧૨થી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા જુદાજુદા શીર્ષક તળે આ પ્રકારનાં વિશિષ્ટ પ્રદર્શનોનું આયોજન કરે છે. કોવીડકાળમાં ૨૦૨૦માં યોજાયેલ ૯માં વીશીષ્ટ પ્રદર્શનની વિશેષતા ઓનલાઈન હોવાથી તેને લાખો લોકો નિહાળી શકયા તે હતી. પ્રજ્ઞાચક્ષુઓનું શિક્ષણ, કોમ્પ્યુટર અને ટેકનોલોજીનાં સાધનો પર કામ કરતા નેત્રહીનો, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ અંતર્ગત અપાતી વિવિધ તાલીમ, રસોઈની રંગત હોમસાયન્સની પ્રવૃતિઓ, ઇન્ડોર અને આઉટડોર રમતો, ગૃહ ઉદ્યોગની બનાવટ અને સંગીત આ પ્રદર્શનનાં આકર્ષણ રહ્યા હતા. બ્રેઇલ પ્રેસ, ઓડિયો અને બ્રેઇલ પુસ્તકાલય, ફિઝીયોથેરાપી સેન્ટર જેવી પ્રવૃતીઓએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ઉદદ્યાટન કાર્યક્રમમાં જયવિરરાજ સિંહજીએ અભિભૂત થઇ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે સંસ્થા સાથે સમગ્ર રાજ પરિવાર ખડા પગે રહી સંસ્થાના કાર્યમાં સેવા બજાવવા તત્પર રહેશે. કેપ્ટન અરુણકાન્ત મિશ્રાએ સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવી હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત  શશીભાઇ વાધરે કર્યું હતું. નવનિર્મિત ભવનનો ચિતાર  કિર્તીભાઈ શાહે આપ્યો હતો. જયારે અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના જનરલ સેક્રેટરી  લાભુભાઈ સોનાણીએ પ્રજ્ઞાચક્ષુઓની સુષુપ્ત શકિતઓને વિકસાવવા હાથ ધરેલ કાર્યક્રમોની વિગતો આપી હતી. તેમણે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે સંસ્થાના નવતર પ્રયાસો દ્વારા શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરી ટેકનોલોજીનાં ઉપકરણો દ્વારા સામાન્ય વ્યકિત જેવા કૌશલ્યો વિકસાવવામાં આવશે અને તે દ્વારા તે કોઈપણ ક્ષેત્રે પોતાની સેવા અદા કરી શકશે. આ પ્રંસગે સંસ્થાના નવનિર્મિત ભવનનાં દાતાશ્રીઓ, આર્કીટેક અને કર્મવીરોનાં અભિવાદનમાં માનદમંત્રી  મહેશભાઈ પાઠક અને  બબાભાઈ જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન અને વિશિષ્ટ પ્રદર્શનનું નિદર્શન જાણીતા ઉદ્દ્યોષક  દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ કરાવ્યું હતું.

(11:31 am IST)