Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ભારત બંધને ઉપલેટા-ભાવનગર-વડિયા પંથકમાં ટેકો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસ અને ખેડૂત સંગઠનો સમર્થન આપશે

વડીયા : ખડખડ ગામના ખેડૂતોએ કૃષિ કાયદા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. (તસ્વીર : ભીખુભાઇ વોરા, વડીયા)

રાજકોટ, તા. ૭ :. ખેડૂતોને લગતા નવા કાયદાના વિરોધમાં કાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેમા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસ અને ખેડૂત સંગઠનો સમર્થન આપશે.

કાલે ઉપલેટા, ભાવનગર, વડિયા સહિતના વિસ્તારોમાંથી ખેડૂતોએ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત કોંગ્રેસે ૮મીએ બંધ પાળવાની સાથે રાજ્યવ્યાપી ચક્કાજામ કરવાનું જાહેર કર્યુ છે. એ સાથે રાજ્યના ૧૭ ખેડૂત સંગઠનોની બનેલી ગુજરાત સંઘર્ષ સમિતિએ પણ બંધના દિવસે ધરણા, ચક્કાજામ, દેખાવો યોજવાનું નક્કી કર્યુ છે. રવિવારે રાજ્યના ૧૭ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની યોજાયેલી બેઠકમાં કિસાન વિરોધી ત્રણ નવા કાયદાઓના વિરોધમાં ખેડૂતોના બંધના કાર્યક્રમમાં કામદારો, વેપારીઓ તેમજ તમામ ધંધા-રોજગાર જોડાશે. એમ સંઘર્ષ સમિતિના મુખ્ય કન્વીનર એવા ગુજરાત કિસાન સભાના ડાહ્યાભાઈ ગજેરાએ જણાવ્યુ હતું.

આ સંઘર્ષ સમિતિની બેઠકમાં કોંગ્રેસના કિસાન સેલના ઉપપ્રમુખ ગિરધર વાઘેલા પણ હાજર રહ્યા હતા. સંઘર્ષ સમિતિએ ૧૦મીએ પણ તમામ જિલ્લા મથકોએ ધરણા યોજવાનું, ૧૧મીએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સંયુકત રીતે કિસાન સંસદનો કાર્યક્રમ યોજવાનું તેમજ ૧૨મીએ દિલ્હીના આંદોલનમાં ભાગ લેવા માટે જવાનું પણ નક્કી કરાયુ હતું.

ઉપલેટા

ભારત બંધને સફળ બનાવવા રાજકોટ જીલ્લાના તમામ શહેર અને ગામડા બંધનું એલાન ગુજરાત કિશાન સભાએ આપ્યું છે. ખેતી આધારીત દેશને બચાવવા માટે રાજકોટ જીલ્લાના તમામ વેપારી વર્ગ, ઉદ્યોગ અને ધંધાર્થીઓ વેપાર, ધંધા - રોજગાર બંધ રાખવા ગુજરાત કિશાન સભાના રાજય પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ આહવન કર્યુ છે.

ઉપલેટા અને તાલુકાના ગામડા બંધ રાખવા કિસાન સભાના લખમણભાઇ પાનેરા, ખીમાભાઇ આલ, દિનેશભાઇ કંટારીયા, કેઠી સીણોજીયા પાનેલીથી રમણીકભાઇ ઝાલાવડીયા, ભાયાવદરથી ધીરૂભાઇ લાલાણી, સર્વશ્રી કારાભાઇ બારૈયા, વરજાંગ જાળીયાથી લખમણભાઇ બાબરીયા, નિલાખાથી ચંદુભાઇએ વિનંતી કરી છે.

વડીયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડીયા :  કેન્દ્ર સરકાર દ્વારા નવા કૃષિબિલને દેશની સંસદ માં પસાર કરતા તેની અમલવારી ના વિરોધ માં પંજાબ અને હરિયાણા ના ખેડૂતો આજે રસ્તાપર ઉતરી આવ્યા છે. અને એક મોટુ દેશવ્યાપી ખેડૂત આંદોલનનું રણશિંગુ ફૂંકાઈ રહ્યુ છે.આ આંદોલન ની ગુંજ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકા ના ખડખડ ગામે આસપાસ ના ગામોના સરપંચ અને ખેડૂતોએ સાથે મળીને આ ખેડૂત આંદોલન ને ટેકો આપ્યો હતો. જેમાં દેશની સરકારની ખેડૂત વિરોધી આ કાયદાનો અમલના થાય અને આ કૃષિબિલ થી ખેડૂતો બરબાદ થઇ જવાની ભીતિ જણાવી દેશમાં ચાલતા ચાલતા ખેડૂત આંદોલન ને સમર્થન જાહેર કરી જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા હતા. આ જોતા ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન ફરી ગામડાઓ સુધી પહોંચે તેવું જોવા મળી રહ્યુ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :.. ભારતીય ખેડૂત સંગઠનના કાલના બંધના એલાનને રાષ્ટ્રીય મજદુર કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરાયો છે. કાયદાના અટકચાળા બંધ કરી ગરીબોની રોજી-રોટી ધંધા-રોજગાર જેવી સમસ્યામાં ધ્યાન આપવાની જરૂર છે.

(11:09 am IST)