Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

હોડીની ગતિ

એક નાનું રળિયામણુ ગામ હતું. ગામ સમુદ્ર કિનારે વસેલું હતું. પૂર્ણિમાની રાત હતી. સુંદર ચાંદની ખીલી હતી. તેવી સુંદર રાતે તે ગામમાંથી પાંચ મિત્રો સમુદ્રકિનારે ફરવા માટે આવ્યા. પાંચે યુવાન અને સશકત હતા. પાંચેય મિત્રો, સમુદ્રકિનારે ફરી રહ્યા હતા. તે સમયે તેમણે સમુદ્રકિનારે એક હોડી બાંધેલી જોઇ. હોડી જોઇને પાંચમાંના એકે પ્રસ્તાવ મૂકયો.

'ચાલો, હોડીમાં બેસીને સમુદ્રની અંદર જઇએ. હોડી દ્વારા સમુદ્રની સહેલગાહ કરીએ.'

સૌએ તેમના પ્રસ્તાવને વધાવી લીધો. બધા આનંદ અને ઉત્સાહપૂર્વક હોડીમાં બેઠા. હલેસા મારવાનો પ્રારંભ કર્યો. બધા યુવાન હતા અને સશકત હતા. સૌને લાગ્યું કે હોડી સમુદ્રના જળ પર સડસડાટ આગળ વધી રહી છે. પૂર્ણિમાની રાત, સુંદર ચાંદની, અફાટ સમુદ્ર, યુવાન હૈયા અને હોડી દ્વારા સહેલગાહ ! પછી તો બાકી જ શું રહ્યું ? સૌના હૈયા આનંદ અને ઉમંગથી તરબતર થઇ ગયા.

પાંચેય યુવાનોએ પૂરી શકિતથી અને પૂરા ઉત્સાહથી હલેસા મારવાનું ચાલુ જ રાખ્યું. તેમને સૌને લાગ્યું કે હોડી તીવ્ર ગતિથી આગળ વધી રહી છે. આ રીતે થાકયા વિના તેમણે આખી રાત હોડી દ્વારા સમુદ્રયાત્રા ચાલુ રાખી.

સવાર થયું, સૂર્યોદય થયો, તેઓએ સૌએ જોયું કે હોડી તો સમુદ્રકિનારાના તે જ સ્થાને હતી, જે સ્થાનેથી તેમણે સમુદ્રયાત્રાનો પ્રારંભ કર્યો હતો.

તેમને સૌને નવાઇ લાગી. એરે ! આ શું ? આપણે અહીં કેવી રીતે પહોંચી ગયા ? આખી રાત હોડી સતત તીવ્ર ગતિથી ચાલુ રહી છે અને આપણે અહીં જ કેવી રીતે છીએ ? શું આખી પૃથ્વીની પરિક્રમા કરીને મૂળ સ્થાને આવી ગયા ? ના, ના ! એ તો શકય જ નથી. તો પછી આમ બન્યું કેવી રીતે ? આપણી હોડી અહીંની અહીં જ કેમ છે ?

તેમણે સૌએ નીચે ઉતરીને તપાસ કરી. તપાસ કરતા જાણ થઇ કે હોડી જે દોરડાથી સમુદ્રકિનારાના ખીલા સાથે બાંધી હતી તે દોરી છોડવાનું જ તેઓ સૌ ભૂલી ગયા હતા. જ્યારે હોડી સમુદ્રકિનારે લાંગરવામાં આવે, ત્યારે હોડીને સમુદ્રકિનારાની જમીન પર ખોડેલા એક મજબૂત ખીલા સાથે દોરડાથી બાંધી દેવામાં આવે છે. આમ ન કરવામાં આવે તો હોડી તો સમુદ્રના મોજાઓને કારણે કયાંય તણાય જાય. જ્યારે હોડી દ્વારા સમુદ્રમાં અંદર જવું હોય ત્યારે હોડીને આ બંધનથી મુકત કરવી પડે, પછી જ હલેસા મારવાનો પ્રારંભ કરવામાં આવે તો જ હોડી આગળ ચાલે.

આપણા આ યુવાન મિત્રોએ હોડીને આ ખીલાથી મુકત જ ન કરી અને હલેસા મારવાનો પ્રારંભ કર્યો અને તે જ રીતે આખી રાત હલેસા મારવાનું ચાલુ રાખ્યું પરંતુ હોડી એક ઇંચ પણ આગળ વધી નહિ. તેઓએ બાંધેલી હોડીને જ હલેસા માર્યા. હલેસા મારવાને કારણે હોડી આજુબાજુ ડોલતી હતી. આ આજુબાજુ ડોલવાના હલન-ચલનને તેઓએ હોડીની આગળની દિશામાં થતી ગતિનું હલન-ચલન માની લીધું હતું. પરંતુ હોડી આજુબાજુમાં ડોલે તેને હોડીની અગ્રગામી ગતિ માની શકાય નહિ.

પ્રગતિ તો તે જ કહેવાય, જે આગળની દિશામાં લઇ જાય. પ્રત્યેક ગતિ પ્રગતિ નથી. આપણે જોયું છે કે આપણા જીવનની ગતિ પ્રગતિ છે કે માત્ર ગતિ ?

જ્યાં સુધી હોડીને કિનારા સાથેના બંધનથી મુકત ન કરવામાં આવે ત્યાં સુધી હોડીની ગતિ પ્રગતિ બનતી નથી, ત્યાં સુધી હોડી એક ઇંચ પણ આગળ વધતી નથી.

આપણે જાગૃતિપૂર્વક જોવું જોઇએ કે આપણે આપણા જીવનની હોડીને બંધનથી મુકત કરીને પછી હલેસા મારીએ છીએ કે બાંધેલી હોડીને હલેસા મારીએ છીએ? જીવનની હોડીને હલેસા મારવાથી જ તે આગળ ગીત કરે છે, તેવું નથી. જાગૃતિપૂર્વક, વિવેકપૂર્વક હલેસા મારવાથી જીવનની હોડી, પ્રગતિ કરી શકે છે.

આપણે હલેસા મારવાનો પ્રારંભ કરીએ તે પહેલા આપણે આપણી જીવનહોડીનું જાગૃતિપૂર્વક પર્યાપ્ત નિરીક્ષણ કર્યું છે ?

: આલેખન :

ભાણદેવ

સરસ્વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(9:36 am IST)