Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ફરી સતા પરિવર્તન : હવે દેવ પક્ષ પાસેથી આચાર્ય પક્ષે સત્તા લઇ લીધી

આચાર્ય પક્ષના રમેશ પ્રસાદ ભગત મંદિરના નવા ચેરમેન બન્યા

ગઢડા ગોપીનાથજી મંદિર અવાર નવાર વિવાદોમાં સામે આવે છે, મોટા ભાગે આ મંદિર આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચાલતા મતભેદને લઇને વિવાદમાં આવે છે. ત્યારે ગત વર્ષે ચૂંટણી યોજાયા પછી ફરી એક વખત ગઢડા ગોપીનાથજી મંદિરમાં સત્તાનું પરિવર્તન થયું છે. આચાર્ય પક્ષે દેવ પક્ષની પાસેથી સત્તા આચકી લીધી છે. સત્તા પરિવર્તન થવાના કારણે આચાર્ય પક્ષના રમેશ પ્રસાદ ભગત મંદિરના નવા ચેરમેન બન્યા છે. ગત વર્ષે જે ચૂંટણી થઇ હતી, તેમાં આચાર્ય પક્ષની હાર થઈ હતી અને દેવ પક્ષનો વિજય થયો હતો.

વિજય થયા બાદ ટ્રસ્ટના નિયમો અને ચેરિટી કમિટીની જોગવાઈ અનુસાર ટ્રસ્ટની એક બેઠક બોલાવવાની હોય છે. જેથી આ બેઠકના 22 નવેમ્બરના રોજ ટ્રસ્ટની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક બેઠક કેન્સલ રહી હતી. એક નિયમ એવો છે કે, બેઠક કેન્સલ રહ્યા બાદ 14 દિવસની અંદર બીજી બેઠક બોલાવવી પડે છે. પણ 14 દિવસની અંદર બેઠક ન મળે તો હાજર રહેલા સભ્યોને ચેરમેનની નિમણૂક કરવાની સત્તા હોય છે. એટલે 22 નવેમ્બરના રોજ કેન્સલ થયેલી બેઠક 14 દિવસમાં ન મળતા આચાર્ય પક્ષના સભ્યોએ ચેરમેનની નિમણૂક કરી હતી. એટલે હાલ આચાર્ય પક્ષની સત્તા ફરીથી ગઢડા ગોપીનાથજી મંદિર પર સ્થાપિત થઇ છે.

ચૂંટણીને લઇની લાંબા સમયયથી ગોપીનાથજી મંદિરમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ સર્જાઈ રહ્યો છે. આ વિવાદના કારણે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો. બંને પક્ષો વચ્ચે વર્ગ વિગ્રહ ચાલતો હોવાના કારણે સંપ્રદાયને પણ નુકસાન થયું છે. વિવાદ ગઢડા મંદિરના વિકાસને લઇને નહીં પણ મંદિરમાં રહેલા આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સાધુઓ વચ્ચે સત્તાની લાલચ છે. મોહ માયા છોડીને સાધુ થવાય છે પરંતુ અહીંયા મંદિરમાં સાધુઓ પદ માટે ચૂંટણી કરી રહ્યા છે. એવું પણ કેહવામાં આવી રહ્યું છે કે, ગઢડા ગોપીનાથજી મંદિરની સત્તા આચાર્ય પક્ષના હાથમાં આવતા ફરીથી બંને પક્ષો વચ્ચેનો વિવાદ વધશે.

આ બાબતે દેવ પક્ષના હરજીવન સ્વામીએ જણાવ્યું હતું કે, નિયમ અનુસાર બેઠક કેન્સલ થયા પછી 16 દિવસે બેઠક મળી શકે પણ આ બેઠકની જાણ ચેરમેનને કરવી પડે. હું ચેરમેન છું અને મેં મીટીંગ બાબતે જાણ કરી નથી. મીટીંગ માટેના બે અઠવાડિયા 9 તારીખે પૂર્ણ થાય છે. છતાં પણ ગેરકાયદેસર કૃત્ય કરીને સામેના પક્ષના ત્રણ લોકોએ આ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇને ગેર કાયદેસર મીટીંગ કરી છે. બહુમતી અમારી પાસે છે અને મેમ્બરો અહીં આવવા નીકળી ગયા છે અને અમે બહુમતીથી બધુ રદ્દ કરીશું.

(7:18 pm IST)