Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

વાવાઝોડાના કારણે ઉનાના ઉમેજ તથા પાતાપુર ગામમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ :મહા વાવાઝોડુ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, અને તે ગુજરાતના દીવ નજીક આવી રહ્યું છે, ત્યારે મહા વાવાઝોડાની અસરથી દીવના દરિયા કિનારે ભારે પવન સાથે મસમોટા મોજા ઉછળ્યા છે. આ સાથે જ દીવના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ, ગીર સોમનાથના વેરાવળમાં મહાની અસરથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને વેરાવળના દરિયામાં મોજા ઉંચા ઉછળ્યા છે. તકેદારીના ભાગરૂપે તમામ બોટને દરિયાકાંઠે લંગારી દેવાઈ છે. તેમજ ગુજરાતના દરિયાકાંઠે પવનની ફૂંકાવાની શક્યતાને પગલે કિનારે લાંગરેલી બોટને વધુ મજબૂતાઈથી બાંધવામાં આવી છે.

ઉનામાં 2.5 ઈંચ વરસાદ

મહા વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ઉના, કોડીનાર, ગીરગઢડા સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ઊનાના વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ખેડુતો પરેશાન થયા છે. ઉનાના ઉમેજ તથા પાતાપુર ગામે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય પંથકમાં હુજ પણ મેધ તાંડવ યથાવત છે. ત્યારે સ્થાનિક લોકો પણ કમોસમી વરસાદથી પરેશાન થઈ ગયા છે. તો બીજી તરફ, રાણપુરના નાગનેશ ગામે ફરી ભાદર નદીમા પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ગઈકાલે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. નદીમાં પૂર આવતા ગામના લોકોને જવા આવવામાં મુશ્કેલી થઈ રહી છે.

દીવની સ્થિતિ વિશે કલેક્ટર સલોની રાયે જણાવ્યું કે, સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે. પરિસ્થિતિ સુધરતા તમામ રાબેતા મુજબ થઈ જશે. હાલ 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે Ndrfની 5 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની સમસ્યાને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

મહા વાવાઝોડાની અસર સાઉથ ગુજરાતમાં પણ થવાની હોવાથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વતાવરણ છવાયેલું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. તો વલસાડના પ્રખ્યાત તીથલ દરિયે કિનારે જોરદાર પવન ફૂંકાયો છે.

વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી છે. આજે અમદાવાદના અનેક વિસ્તારોમા સવારથી વરસાદ નોંધાયો છે. જેમાં નેશનલ હાઈવેના નારોલથી નરોડા સુધીના પટ્ટામાં વરસાદ પડ્યો છે. તો બીજી તરફ, નારોલ, ઈશનપુર, વટવા, ઘોડાસર, જશોદાનગર, મણિનગર, હાટકેશ્વર, ખોખરા, મહેમદાવાદ, અમરાઈવાડી, વસ્ત્રાલ, રખિયાલ, સરસપુર, ઓઢવ, બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

(5:10 pm IST)