Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

બામણબોર પાસે ખાણ ખનીજની ગાંધીનગરની ફલાઇંગ સ્‍કવોડ ત્રાટકી

રેતી અને ખનીજ ભરેલા ૧૦ ટ્રક કબજેઃ ખનીજ ચોરીનું જબરૂ કૌભાંડ ખુલે તેવી સંભાવનાઃ ગુનો નોંધવા તજવીજ

રાજકોટ તા. ૭: સવારે બામણબોર નજીક ગાંધીનગર ખાણખનીજ વિભાગના ્‌ફલાઈંગ સ્‍કવોડ અધિકારી હસમુખ કાનગડના નેજા હેઠળ ટુકડી ત્રાટકી હતી અને રાજકોટ કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન હદમાં આવેલા બામણબોર નજીકથી ચામુંડા હોટલ પાસે દસેક મોટા ટ્રક કબજે કર્યા હતા. જેમાં લાખોનો ખનીજ રેતી, કપચી અને મેટલનો જથ્‍થો મોટા પ્રમાણામાં કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.  આ લખાઈ રહ્યું છે ત્‍યારે ૬ ટ્રક કુવાડવા વિસ્‍તારની પોલીસવાને અને ફલાઈંગ સ્‍કવોડે કુવાડવા પોલીસ સ્‍ટેશને લઇ જવા કાર્યવાહી કરી હતી. રવાના થઈ છે. દરોડો પડતાં ચારથી પાંચ ટ્રકના ડ્રાઈવરો ટ્રકની ચાવી લઈને નાસી ગયા હતા. આ ટ્રક પોલીસે ચામુંડા હોટલ પાસેથી કબજે કર્યા છે. ટ્રકના ડ્રાઈવર અને માલિકની તપાસ હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન ખનીજ ચોરીનું જબરૂ કોૈભાંડ ખુલવાની શક્‍યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્‍દ્રનગર વિસ્‍તારમાંથી ખનીજ ચોરીનું જબરૂં નેટવર્ક વર્ષોથી ચાલતું હોવાનું જાણકારોમાં ચર્ચાય છે. ખનીજ ચોરો પોલીસ કરતા પણ જબરૂ પેટ્રોલીંગ નેટવર્ક ધરાવતા હોવાનું જાણકારો કહે છે. પોલીસ વિભાગ કે કોઇપણ ટુકડી રોડ પરથી પસાર થાય એટલે તમામને એલર્ટ કરી દેવાનું નેટવર્ક ચાલે છે. પોલીસ કે ખાણખનીજના ચેકીંગ નેટવર્કને પણ આટી મારે તેવા આયોજનને અંધારામાં રાખી ગાંધીનગર ખાણખનીજ વિભાગની ટુકડી આજે વહેલી સવારે બામણબોર નજીક ત્રાટકી હતી અને ૧૦ ટ્રક કબજે કરી હતી. ખાણખનીજ ચોરીનું જબરૂ નેટવર્ક બહાર આવે તેવી સંભાવના છે.

જો કે આ પકડાયેલા ટ્રક અંગે ઊંડી તપાસ થાય તો ઘણુ બહાર આવે તેમ હોવાની સંભાવના હોવાનું જાણકારો ચર્ચી રહ્યા છે. આ મામલે વિધીવત એફઆઇઆર દાખલ કરવા તજવીજ થઇ રહી છે.

(11:22 am IST)