Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ધારીના સરસીયા ગામે રાષ્‍ટ્રીય પર્વ માફક શેલડીયા પરિવાર લગ્નોત્‍સવ ઉજવશે

લગ્ન મંડપ તથા રસ્‍તાઓ રાષ્‍ટ્રધ્‍વજથી શણગારાશે : લગ્નમાં ચાંદલો ભેટની રકમ શહિદોના પરિવારજનોને અપાશે : આંતકવાદ વિરોધી મોરચાની રાષ્‍ટ્રીય પ્રમુખ હાજર રહેશે

ચલાલાલ તા. ૭ :  તા.૮ ને શુક્રવારે ધારી તાલુકાના સરસીયા ગામે જીતુભાઇ હિંમતભાઇ શેલડીયા પરીવારના આંગણે બે લાડકવાયી બહેનોના લગ્ન પ્રસંગને એક અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. આ શુભ પ્રસંગને રાષ્‍ટ્રીય પર્વની જેમ ઉજવવાનું આયોજન ચાલી રહ્યું છે. લગ્ન મંડપ તેમજ સભામંડપ ગામના રસ્‍તાઓને અનોખી રીતે રાષ્‍ટ્રધ્‍વજ દ્વારા શણગારવામાં આવેલ છે.

આ શુભ પ્રસંગમાં આંતકવાદ વિરોધી મોરચાનાં રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રી એમ.એસ.બિટ્ટા ખાસ ઉપસ્‍થિત રહેશે. તેમજ ગતવર્ષે સુરત શહેરમાં મારૂતી વીર જવાન ટ્રસ્‍ટ દ્વારા શહિદ પરીવારને પરીવાર દીઠ, ર,પ૦,૦૦૦ ની રાશીથી સન્‍માનીત કરેલ છે તેવા મારૂતી વીર જવાન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ હાજરી આપશે.

લગ્નનાં આયોજક જીતુભાઇના જણાવ્‍યા પ્રમાણે આ લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ તેમજ ભેટ સોગાદને ભારત માતાની રક્ષા કરતા શહિદ થયેલ પરીવારજનોને આપવામાં આવશે. આ શુભ પ્રસંગમાં સમગ્ર દેશ તેમજ રાજયમાંથી રાજકીય મહાનુભાવો, સામાજીક આગેવાનો તેમજ દેશ માટે શહિદ થયેલ જવાનોના પરીવારજનો ખાસ ઉપસ્‍થિત રહી આ અનોખી રીતે ઉજવાતા શુભ પ્રસંગે હાજર રહેશે. કદાચ દેશમાં આવા લગ્ન પહેલીવાર ઉજવવામાં આવી રહ્યો હશે.

(10:33 am IST)