Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ભાવનગરમાં ૬ વર્ષમાં ડબલની લાલચ આપીને ૬પ કરોડની છેતરપીંડી કરનાર રવિન્દ્ર સંધુના રિમાન્ડની તજવીજ

ભાવનગર તા. ૭ :.. ભાવનગરનાં રોકાણકારોનાં કરોડો રૂપિયાનું ચીટીંગ કરનારા 'કીમ' કંપનીનાં માલીક પંજાબ-અમૃતસરનાં રવિન્દ્ર સંધુને ભાવનગર લાવી પોલીસે તેનાં રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ૬ વર્ષમાં ડબલની લાલચ આપી આ શખ્સે ભાવનગરમાં એજન્ટો મારફત ૬પ કરોડની છેતરપીંડી કરી છે.

ભાવનગરમાં ચકચાર મચાવનાર કીમ ફયુચર વિઝન નામની કંપનીની ઓફીસ શરૂ કરી એજન્ટો મારફત ભાવનગરનાં નિવૃતો, સરકારી અધિકારી, કર્મચારીઓ, વેપારી અને ગરીબ - મધ્યવર્ગ પાસેથી લલચામણી ઓફરો કરી રૂ. ૬પ કરોડથી વધુ રકમ લઇ નિયત મુદતે પરત નહિ કરી ચીટીંગ થયાનો પર્દાફાશ થયા બાદ ભાવનગર સી. ડીવીઝન પોલીસે આ અંગે કંપનીનાં માલીક રવિન્દ્ર એસ. સંઘુ (રહે. અમૃતસર-પંજાબ) ભાવનગર સ્થિત કંપનીનું સંચાલન કરનારા કાનજી રાણાભાઇ ખમલ અને જેન્તીભાઇ રાઠોડ  જે. વી. ની ધરપકડ કરી હતી જે હજુ પણ  જામીન નહિ મળતાં જેલમાં જ છે.

દરમ્યાન કીમ કંપનીનાં માલીક રવિન્દ્ર સંધુને પંજાબમાંથી પોલીસે ઝડપી લીધા બાદ ભાવનગર પોલીસે ટ્રાન્સફોર્ર વોરંટને આધારે ભાવનગર લઇ આવી છે અને કરોડોનાં  ચીટીંગ મારફતે ઝીણવટભરી પુછપરછ હાથ ધરી છે.

આ કૌભાંડની તપાસ ચલાવી રહેલા સી. ડીવીઝન પોલીસ સ્ટેશનનાં તપાસનીશ અધિકારી પી. આઇ. ઝાલાનાં જણાવ્યા મુજબ કીમનાં રવિન્દ્ર સંઘુને કોર્ટમાં રજુ કરી ૧૦ દિવસનાં રીમાન્ડ મેળવવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાનાં આ ચીટીંગ પ્રકરણમાં ખાસ કરીને ભાવનગરનો વાળંદ સમાજ વધુ ભોગ બન્યો છે. અનેક એજન્ટો મારફત કરોડો રૂપિયા ડૂબી જતાં નાના-મોટા અનેક રોકાણકારોની દિવાળી બગડી છે. અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. (પ-૧૬)

 

(12:39 pm IST)