Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

રાત્રે સાવરકુંડલામાં ઇંગોરીયા યુધ્ધ જામશે

વર્ષોની પરંપરા પ્રમાણે લોકોનાં ટોળા સામસામા દિવાળી ઉજવશે

સાવરકુંડલા તા. ૭ :.. દિપાવલીની રાતે સાવરકુંડલા શહેરમાં ઇંગોરીયા યુધ્ધ જામે છે. ૧૦ દાયકા પહેલાથી રમાતી આ લડાઇ આજે પણ એજ જુસ્સાથી રમાય છે. ઇંગોરીયા બાદ સી.ડી. અને આજે કોકડાએ સ્થાન લીધું છે. આ રમતને જોવા હજારો લોકો દુર દૂરથી જોવા સાવરકુંડલા આવે છે.

સાવરકુંડલામાં છેલ્લા છ દાયકા પહેલાંથી ઇંગોરીયા યુધ્ધ ખેલાય છે. ઇંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફુટનું હોય છે તેના ચીકુ જેવા ફળને ઇંગોરીયું કહેવામાં આવે છે. દીવાળી પહેલા એકાદ માસ પુર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઇંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે ત્યારબાદ ઉપરથી છાશને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદર તેમાં દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુકકાથી એ કાણું બંધ કરી દેવાય છે. અને તેને સુકવવામાં આવે છે અને ત્યારબાદ ઇંગોરીયું તૈયાર થઇ જાય જેને દીવાળીની રાત્રીએ આવા હજારો તૈયાર થયેલા ઇંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુધ્ધ રમવા તૈયાર થઇ જાય છે.

આ ઇંગોરીયાને સળગાવવા માટે કાથીની વાટ કે જામગરી વડે સળગાવીને સામસામા સળગતા ઇંગોરીયા ફેંકવામાં આવે છે. સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઇંગોરીયા નાખીને ટોળીઓને દૂર દૂર સુધી ખસેડી દે છે. હાલમાં જેમાં દાડમના ફુવારા નીકળે છે. તેવા આગના ફુવારા સાથે ગોળીની જેમ દૂર સુધી રોકેટની જેમ જાય  છે. આ રોમાંચિત લડાઇમાં આનંદ, કીકીયારી, નાસભાગ અને ધક્કામુકીના દૃશ્યો સર્જાય છે. કયારેક કોઇકના કપડા પણ સળગી જાય છે. જો કે મોટું નુકસાન કે માથાકૂટ થતી નથી કારણ કે આ નિર્દોષ રમત હોય છે અને રાતના દસ વાગ્યાથી સવાર સુધી આ ઇંગોરીયાની લડાઇ ચાલે છે.  સમય ન બદલાતા વહેણ સાથે આ ઇંગોરીયાની લડાઇમાં પણ પરિવર્તન થયું છે. લડાઇનું નામ તો ઇંગોરીયાની લડાઇ જ રહ્યું, પરંતુ ઇંગોરીયાના વૃક્ષો ઓછા થતા તેનું સ્થાનસી.ડી.એ લીધું હતું આથી ઇંગોરીયા બહુ ઓછા જોવા મળે છે. તેના બદલે કોકડાને દારૂખાનુ ભરી તૈયાર કરાય છે. માધ્યમો બદલાયા પરંતુ લડાઇ તો આજે પણ ચાલુ જ રહેશે. હાલના સમયમાં મોટી માથાકૂટ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. આ અનોખી લડાઇને જોવા આજે પણ દૂર દૂરથી લોકો સાવરકુંડલા ખાતે આવે છે. રાતભર આગની લડાઇ બાદ સવારે એકબીજા યુવાનો ગળે ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આનંદનથી છૂટા પડે છે. (પ..૧૪)

(12:32 pm IST)