Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

વંથલીના નાંદરખી ગામે તળાવમાં ડુબી જતા શાપુરની રજીયાનું મોતઃ બે બાળકીનો બચાવ

ઘરની પાસેના તળાવમાં ન્હાવા જતા કરૂણાંતીકા સર્જાઇ

 જુનાગઢ, તા., ૭: વંથલીના નાંદરખી ગામે તળાવમાં ડુબી જતા શાપુરની રજીયા નામની બાળાનું કરૂણ મોત થયું હતું અને બે બાળકીનો બચાવ થયો હતો.

આ અંગેની વિગતો એવી છે કે વંથલી તાલુકાના શાપુરની રજીયા જુસબભાઇ ગામેતી (ઉ.વ.રર) નામની બાળકી તેના વંથલી નજીકના જ નાંદરખી ગામે રહેતા મોટા બાપા હાજીભાઇ જુસબના ઘરે વેકેશન સબબ ગઇ હતી.

ગઇકાલે બપોરના કોઇને ખબર પડે નહી તે રીતે રજીયા સહીત ત્રણ છોકરીઓ હાજીભાઇનાં મકાનની બાજુમાં આવેલ તળાવમાં ન્હાવા ગઇ હતી.

પરંતુ રજીયા તળાવના ઉંડા પાણીમાં જતી રહી હતી અને તળાવમાં પાણીની સાથે રહેલ કાદવમાં ખુપી જતા રજીયાનું ડુબી જવાથી મૃત્યુ થયું હતું જયારે તેની સાથેની અન્ય બે બાળકીનો બચાવ થયો હતો.

આ અંગેની જાણ ૧૦૮નો કાફલો અને વંથલીના પોલીસ જમાદાર સી.એમ.વાળા વગેરે દોડી ગયા હતા અને બાળકીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોલીસ જમાદાર શ્રી વાળાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે મૃતક રજીયા તેના મોટા બાપાને ત્યાં આવી હતી અને તળાવમાં ન્હાવા જતા તેને મોત આંંબી ગયું હતું.

દિવાળીનાં દિવસોમાં જ કરૂણાંતીકા સર્જાતા નાંદરખી અને શાપુરમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

(12:13 pm IST)