Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દિવાળીના તહેવારોમાં જેમ દેશ પણ ઝગમગે છે તેમ અયોધ્યામાં સર્વસંમતિથી શ્રી રામ મંદિર બને તેવી મારી લાગણીઃ શ્રી સોમનાથ મહાદેવના દર્શને શ્રી શ્રી રવિશંકર મહારાજ

વેરાવળ-પ્રભાસ પાટણઃ આર્ટ ઓફ લિવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી રૂપચોૈદશના મહાપર્વે મંગળવારે સાંજે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથના દર્શને આવ્યા હતા. તેઓએ સોમનાથમાં પૂજા અર્ચના કર્યા બાદ મંદિરના સંકુલમાં જ મીડિયા સાથેની વાતચીતમાં શ્રી શ્રી રવિશંકરજીએ પણ અયોધ્યામાં સર્વસંમતિથી રામમંદિર બનવું જોઇએ તેવું જણાવ્યું હતું. સોમનાથના સાંનિધ્યેથી શ્રી શ્રીએ પણ રામમંદિર બનવું જોઇએ તેવી વાત રજૂ કરી હતી. રર વર્ષ પછી સોમનાથના દર્શને આવેલા શ્રી શ્રી રવિશંકરજીએ કહ્યું હતું કે દિવાળીના તહેવારોમાં જેમ દેશ પણ જગમગે છે તેમ અયોધ્યામાં પણ સર્વસંમતિથી રામમંદિર બને તેવી મારી લાગણી છે. સોમનાથ મંદિરની જેમ જ અયોધ્યાનું રામમંદિર પણ કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે. આ તકે શ્રી શ્રીએ કહ્યું હતું કે જનતા હંમેશા રામમંદિરને યાદ કરે છે પણ રાજકીય પાર્ટીઓએ આ અંગે કોઇ પ્રતિસાદ આપ્યો નથી. પણ દરેક પાર્ટીના લોકો ચાહે છે કે એક સૌભાગ્યપૂર્ણ વાતાવરણમાં રામમંદિર બને તે સૌની ઇચ્છા છે. મંદિરનો મુદ્દો તો ઘણા સમયથી ચાલે છે પણ સૌની સહમતિ સધાય અને રામમંદિર બને તે ખૂબ જરૂરી છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્વાગત કર્યું હતું પૂજાચાર્ય શ્રી ધનંજયભાઇ દવે સહિતનાએ પૂજનવિધિ કરાવી હતી.

ગોંડલ

ગોંડલ ભૂવનેશ્વરી મંદિરે આર્ટ ઓફ લીવીંગ ના શ્રી શ્રી રવિશંકર મહારાજ સવારના ૧૧ કલાકના સુમારે આવી પહોંચતા તેમનો દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું આ તકે ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ પૂજય ઘનશ્યામજી મહારાજ, ડો. રવિ દર્શનજી, ગોંડલ ધારાસભ્યના પ્રતિનિધિ જયોદિત્યસિંહ જાડેજા, નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન યતીશભાઈ દેસાઈ તેમજ ઓમદેવસિંહ જાડેજા અને હવા મહેલ રાજવી પરિવારના યુવરાજ જયોતિર્મયદિત્યસિંહ જાડેજા, પ્રાંત અધિકારી રાયજાદા સહિત આર્ટ ઓફ લિવિંગ પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા. પૂજય રવિશંકર મહારાજની આ મુલાકાત ધાર્મિક હોય ભુવનેશ્વરી મંદિર ખાતે પહોંચતા જ તેઓ દ્વારા આરતી પૂજા પાઠ બાદ યજ્ઞ પૂજામાં હાજરી પુરાવા માં આવી હતી. બાદમાં અત્રેના અક્ષર મંદિર શ્રી શ્રી રવિશંકર મહારાજ દર્શને પહોંચ્યા હતા જયાં ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મંદિરના કોઠારી સ્વામી દ્વારા તેઓને ઘનશ્યામજી મહારાજનો હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા વિશ્વ વિખ્યાત અક્ષરદેરી ની પ્રદક્ષિણા કરી શ્રી શ્રી રવિશંકર મહારાજ આશ્ચર્યચકિત બન્યા હતા બાદમાં તેઓ બી.એ.પી.એસ.ના વડા પૂજય મહંત સ્વામીના દર્શને પહોંચ્યા હતા જયાં તેઓએ આશરે પંદરથી વીસ મિનિટ મહંત સ્વામી સાથે વાર્તાલાપ કર્યો હતો અને અંતમાં યોગી સ્મૃતિ મંદિરના દર્શન કરી તેઓની યાત્રા સોમનાથ તરફ આગળ ધપાવી હતી.

(12:11 pm IST)