Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

મોરબી: શાસ્ત્રી વિપુલભાઈ શુકલનાં આચાર્ય પદે જનોઈ ધારણ વિઘી યોજાશે.

મોરબી :  યજ્ઞોપવીત સંસ્કારને હિંદુ ધર્મના મુખ્ય સંસ્કારોમાંથી એક માનવામાં આવે છે. યજ્ઞોપવીતને જનોઈ કહે છે. જનોઈ એ ત્રણ દોરા વાળું સૂત્ર છે જે પુરુષો તેમના ડાબા ખભાના ઉપરથી જમણા હાથની નીચે સુધી પહેરે છે. જનોઈ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ત્યારે મોરબી ખાતે ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુકલનાં આચાર્ય પદે નૂતન જનોઈ ધારણ વિઘીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુરૂવાર, તા. ૧૧/૦૮/૨૦૨૨નાં સવારે ૮-૩૦ કલાકે મોરબી ઔદિચ્ય જ્ઞાતિની વાડી, વાંકાનેર દરવાજા બહાર, મોરબી ખાતે શાસ્ત્રીશ્રી વિપુલભાઈ પ્રમોદરાય શુકલ નાં આચાર્ય પદે સં. ૨૦૭૮, શ્રાવણ શુકલ – પુર્ણીમાંના રોજ નૂતન જનોઈ ધારણ વિઘી યોજાશે. આ ધાર્મિક કાર્યના સાક્ષી બનવા શાસ્ત્રી વિપુલ શુકલજી મો. ૯૮૨૫૨ ૩૧૭૩૦ દ્વારા સર્વે જ્ઞાતિજનો ત્થા ભૂદેવોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, જનોઈ ત્રણ સૂત્રોથી બનેલી છે. તે દેવરુણ, પિતૃરુણ અને ઋષિરુણનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે તેને સત્વ, રજ અને તમનું પ્રતીક પણ કહેવામાં આવે છે. યજ્ઞોપવીતના દરેક સૂત્રમા ત્રણ તાર છે. આ રીતે, જનોઈ નવ તારથી બનેલી છે. આ નવ તારને શરીરના નવ દ્વાર માનવામાં આવે છે. તેમાં મૂકેલી પાંચ ગાંઠ બ્રહ્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીક માનવામાં આવે છે. આથી હિંદુ ધર્મમાં જનોઈને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેની પવિત્રતા જાળવવા માટે તેના નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે.

(5:18 pm IST)