Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

રાજનીતીના અભ્‍યાસક્રમમાંથી કોઇ વડાપ્રધાન કે મુખ્‍યમંત્રીના પદ સુધી પહોંચે તેવી મારી ઇચ્‍છાઃ નરેશભાઇ પટેલ

રાજકોટમાં સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન ખાતે ‘‘ખોડલધામના પ્રણેતા’’ની અધ્‍યક્ષતામાં રાજકીય સેમીનાર યોજાયો.

રાજકોટઃ ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલે રાજકીય સેમીનાર યોજીને જણાવ્‍યું હતું કે તાલીમ મેળવનારા કોઇ વડાપ્રાન કે મુખ્‍યમંત્રી બને તેવી મારી ઇચ્‍છા છે.

ખોડલધામ 'નરેશે' મહિનાઓની મથામણ બાદ રાજકારણમાં પ્રવેશ કરવાનો ઈન્કાર કર્યો હતો. જોકે આ પછી તેમણે ખોડલધામનાં નેજા હેઠળ એક રાજનીતિનો અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેનાં અંતર્ગત ગતરોજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે એક રાજકીય સેમિનાર યોજાયો હતો. આ સેમીનાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, દેશભરમાં પ્રથમ વખત આવો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ. જેમાં ખાસ યુવાઓને રાજકારણનાં પાઠ ભણાવવા માટે એક વર્ષનો કોર્ષ કરાવવામાં આવશે. તેમાં થિયરીની સાથે પ્રેક્ટિકલની પણ તાલીમ આપી વિધાનસભા તેમજ સંસદ ભવન ખાતેની મુલાકાત કરાવવામાં આવનાર છે. આવનારા સમયમાં તાલીમ મેળાવનારાઓ પૈકી કોઈ CM અને PM બને તેવી પોતાની ઈચ્છા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

 

નરેશ પટેલનાં જણાવ્યા મુજબ, ભારતભરમાં સૌપ્રથમ સામાજિક સંસ્થાના નેજા હેઠળ આ રાજનીતિ માટેની પાઠશાળા શરૂ કરવામાં આવી રહી છે. ડોકટર બનવા માટે, ઇજનેર બનવા માટે કોર્સ કરવામાં આવતા હોય છે. ત્યારે રાજકરણની માહિતી અંગે 6 ભાગમાં કોર્સની વહેચણી કરવામાં આવી છે. યુવાનો રાજનિતીમાં આવે તે હેતુથી આ ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે. એક વર્ષનો આ કોર્ષ પૂર્ણ થયા બાદ જો ઉમેદવાર સક્ષમ હશે તો જરૂર તેને કોઈને કોઈ પક્ષ તરફથી ​​​​​ટિકીટ આપવામાં આવશે. અને જરૂર પડ્યે અમારા દ્વારા પણ આ પૈકી સારા ઉમેદવારો માટે ટીકીટ માંગવામાં આવશે.

 

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકારણ પણ એક ગણિત હાલના સમયમાં યુવાઓ રાજકીય નેતૃત્વ પૂરું પાડે તે જરૂરી છે. અને એ માટે આ પ્રથમ પ્રયાસ કર્યો છે. જોકે હું ક્યારેય પણ એવું નથી માનતો કે દરેક કાર્યમાં સફળ થઈએ. આ પ્રયાસમાં કેટલી સફળતા મળશે તે નક્કી નથી. પરંતુ રાજકીય પાઠશાળા માટે બહેનોએ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વિધાનસભાની ચુંટણી અંગે ટીકીટને લઈ નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, 'હું કોઈ ફિગરમાં પડવા નથી માંગતો પણ હક્કદાર હોય તેને તેનો હક મળવો જોઈએ. હું ઈચ્છું છું કે આ રાજકીય કોર્ષ કરનારા પૈકી કોઈ એક મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બને.

ઉલ્લેખનીય છે કે આજે નરેશ પટેલની આગેવાનીમાં ભાજપના ધનસુખ ભંડેરી,મનહર પટેલ અને AAPના શિવલાલ બારસિયા સહિત વિવિધ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાલ રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતિને કારણે ચૂંટણીમાં સીધી અસર પડે છે. વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો 2012માં ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા.

(4:48 pm IST)