Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

મેઘમહેર થતાં કપાસ-મગફળી જેવા પાકને મળ્યું જીવનદાનઃ શાકભાજીની વાવણી પણ વધી

જો કે દ્વારકા -મોરબી પંથકમાં વરસાદની ઘટ

નવી દિલ્હી, તા.૭: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં થયેલી મેઘમહેરથી ખેડૂતોની સાથે સાથે લોકો પણ ખુશ છે. વરસાદ વગર ચિંતિત ખેડૂતોના કપાળે ચિંતાની લકીરો ઘટી ગઇ છે. છેલ્લા વરસાદને કારણે કપાસ અને મગફળી જેવા પાકને જીવતદાન આપ્યું છે. વરસાદ થતાં ખેડૂતોએ વાવણી ફરીથી શરૂ કરી છે. લગભગ બે અઠવાડિયાથી મગફળી અને કપાસના પાકની વાવણી અટકાવી દેવાઈ હતી. ત્યારે છેલ્લા અઠવાડિયાથી વાવણી ફરી શરૂ કરી છે. કપાસનો પાક ૧ લાખ હેકટરમાં અને મગફળીનો પાક ૦.૭૫ લાખ હેકટરમાં વાવવામાાં આવ્યો છે. અધિકારીઓના મતે, શાકભાજીની વાવણી પણ વધી છે જેના કારણે તેના ભાવ નીચા આવશે તેવી અપેક્ષા છે.

ખેતીવાડી ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું, અત્યાર સુધીમાં ૮૪.૭૭ લાખ હેકટર જમીનમાંથી માત્ર ૭૫ ટકા વિસ્તારમાં વાવણી થઈ છે. ૨૯ જુલાઈએ આ આંકડો ૬૮.૬૩ ટકા હતો. રોકડિયા પાક અને શાકભાજી સહિતના પાકની વાવણી વાયુ વાવાઝોડાના કારણે રાજયમાં સર્જાયેલા વરસાદી માહોલ વખતે જ શરૂ થઈ ગઈ હતી. જો કે, ત્યારબાદ આકાશ કોરું થઈ જતાં વાવણીની પ્રક્રિયા મંદ પડી.

મગફળીના વેપારીએ કહ્યું, મગફળીના પાક માટે હજુ ચિંતાની વાત છે કારણકે દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં વરસાદની ઘટ છે. જો કે, કપાસના ખેડૂતોની આશા ફરીથી જાગી છે. અમદાવાદના કપાસના વેપારીએ કહ્યું, હાલમાં થયેલા વરસાદે પાકને નવું જીવન આપ્યું છે. વરસાદના લીધે પાકની ગુણવત્તા અને ઊપજ વધશે. જો વરસાદ હજુ ખેંચાયો હોત તો પાકને ચોક્કસ નુકસાન થયું હોત.

જુલાઈના અંતે સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે, ૧૫ જુલાઈ સુધીમાં ૨૧.૪૩ લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. જે ૫ ઓગસ્ટ સુધીમાં વધીને ૨૪.૭૦ લાખ હેકટર થયું. ૧૫ જુલાઈથી ૫ ઓગસ્ટ વચ્ચે વધારાના ૧.૭ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું. ૧૫ જુલાઈ સુધી ૧૨.૯૧ લાખ હેકટરમાં મગફળી વાવેલી હતી. તેનું વાવેતર ૫ ઓગસ્ટ સુધીમાં ૧૪.૬૨ લાખ હેકટર થયું. અધિકારીએ કહ્યું, કઠોળના સામાન્ય વાવણીના ૫.૮૦ લાખ હેકટરમાંથી માત્ર ૫૩.૮૧ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. વાવણીમાં ૯૦ ટકાનો આંકડો પાર કરનાર એકમાત્ર બાજરીનો પાક છે. સરેરાશ ૧.૬૪ લાખ હેકટર વાવણીની જમીનના ૯૯.૯૧ ટકા વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે.

(11:34 am IST)