Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ખંભાળીયામાં આજે વધુ 4 ઇંચ વરસાદઃ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 975 લોકોનું સ્‍થળાંતરઃ એનડીઆરએફ અને સ્‍થાનિક બચાવ ટુકડીઓ તૈનાત

દ્વારકા: આજે બીજા દિવસે પણ દ્વારકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખંભાળીયામાં આજે વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. બપોરે 12 થી 2 મા 4 ઇંચ વરસાદ પડ્યો છે. આમ કુલ 10 ઇંચ વરસાદ બપોરે 2 વાગ્યા સુધી થયો

 છે. તો જૂનાગઢ ના માણાવદર 7 ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકાના ભાણવડમા પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. દ્વારકા અને જામનગર જિલ્લામાં જરૂર પડે સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવુ સ્થાનિક તંત્ર દ્વારા જણાવાયું છે. જામનગર જિલ્લામા અત્યાર સુધી અંદાજીત 900 લોકોને સ્થળાંતર કરાયું છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  75 લોકોને સ્થળાંતર કરાયા છે. દેવભૂમિ દ્વારકાના ડોલવાણ ગામે જરૂર પડે સ્થળાંતર માટેની તૈયારીઓ શરૂ કરવાની સૂચના અપાઈ છે.

આજે પણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર યથાવત છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સીઝનનો 27 ટકા વરસાદ નોંધાયો છે. આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 9 જુલાઈથી વરસાદ ઘટવાની શરૂઆત થશે. અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ આવી શકે છે. રાજ્યના માછીમારો માટે વોર્નિંગ યથાવત છે. પવનની ગતિ 40 થી 60 km પ્રતિ કલાકની રહી શકે છે. 

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વૃક્ષ ધરાશાયી થયું હતું. રેલ્વે સ્ટેશન ખંભાળિયાના મુખ્ય માર્ગ રેલવે સ્ટેશન વિસ્તારમાં વૃક્ષ ધરાશયી થતા એક કાર દબાઈ હતી. જેની અંદર બે વ્યક્તિઓ ફસાયા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી. વૃક્ષ ધરાશાયી થતાં હાલ રસ્તો બંધ થયો છે, અને વાહન ચાલકોમાં ભારે હાલાકી પડી રહી છે.

દેવભુમી દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી ખંભાળીયામાં રેલવે સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. રેલવે સ્ટેશન પાસે કરછી પાડા પાણીમાં ગરકાવ થયો છે. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ખંભાળિયામાં આઠ કલાક માં 11 ઇંચ વરસાદથી.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

ખંભાળિયાનાં સોનારાડી ગામે આવેલ 38વર્ષ જૂનું ઘાણી તળાવ તૂટ્યું છે. 12 કલાકમાં 10 ઇંચ વરસાદથી આવેલ પાણીનાં કારણે સ્થાનિક લોકો માટે આશીર્વાદરૂપ તળાવ તૂટ્યું છે. ખેતી જમીન માટે આશીર્વાદ રૂપ તળાવ તૂટતા લોકો નિરાશ થયા હતા. તો તંત્ર બનાવ સ્થળે દોડી ગયું હતું.

48 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે કલ્યાણપુરનાં  દેવળીયા ચાસલાણા ગામને જોડતો માર્ગ તૂટ્યો છે. ભારે વરસાદ કારણે પુલ તૂટી જતા રસ્તો બંધ છે. સતાપર ગાંધવી કલ્યાણપુર પંથકમાં ખબકેલા 12 જેટલા વરસાદના કારણે પુર આવતા પુલ તૂટી ગયો છે. દેવળીયાથી ચાસલાણા ગાંધવી ગાંગડી હર્ષદ જવાનો એક માત્ર માર્ગ બંધ થતા લોકોની હાલાકી વધી છે. પુલનો મોટો ભાગ તણાઈ ગયો છે, અને રસ્તો અવરજવર માટે બંધ થયો છે.

(4:40 pm IST)