Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જામનગર જીલ્લાની ઊંડ નદીના વહેણમાં તણાયેલા જોડિયાના ૨ યુવકોનો બચાવ

તસ્વીરમાં રેસ્કયુ ટીમ અને બચાવી લીધેલા ૨ યુવકો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર તા. ૭ : જામનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા અને અનેક નદી, નાળા છલકાઇ ગયા હતા. ત્યારે જામનગરના ઉંડ નદીમાં તણાયેલા ૨ યુવકોને બચાવી લેવાયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ઉંડ ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવતા ઉંડ નદીમાં પુર આવ્યું હતું અને જોડિયાના ૨ યુવાનો તણાયા હતા જેને જામનગરની ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતા.

ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમે (૧) નાની વાવડી એક વ્યકિતના તણાવાનો સંદેશો મળેલ છે જે સ્થાનિક તરવૈયાની મદદથી સર્ચ ઓપરેશન કરાયું હતું. (ર) નિકાવામાં ૬૫ વ્યકિતઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. (૩) કાલાવડ શહેરમાં મ્યુનિસિપલ હાઇસ્કુલમાં ૩૦ વ્યકિતઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ હતું જે પરત ફરેલ છે.

ધ્રાંગડા ૫ વ્યકિતઓ વાડી વિસ્તારમાં ફસાયેલા છે. જેને સ્થાનિક તરવૈયાઓની મદદથી સલામત રીતે બહાર કાઢેલ છે. વાગડીયા ગામે ૧૧ વ્યકિતઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. ચેલા ગામે ૫૦ વ્યકિતઓનું સી.ટી.સી. કોલેજ ખાતે ફાયર બ્રિગેડની મદદથી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે.

બાદનપરના ૯ વ્યકિતઓ તથા જોડીયાના ૬૦ વ્યકિતઓનું એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રેસ્કયુ ઓપરેશન ચાલુ કરવામાં આવશે. જોડીયા ગામે ૩૦૫ વ્યકિતઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રેસ્કયુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરેલ છે.

(3:10 pm IST)