Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સવારે માણાવદરમાં દે ધનાધન બે ઇંચ અને વંથલીમાં પોણા બે ઇંચ

જુનાગઢ, કેશોદ પંથકમાં ધીમી ધારે મેઘ મહેર

જૂનાગઢ તા. ૭ :.. આજે સવારે માણાવદરમાં દે ધનાધન બે ઇંચ અને વંથલીમાં પોણા બે ઇંચ વરસાદ ખાબકયો હતો.

જુનાગઢ અને કેશોદ પંથકમાં પણ સવારથી ધીમી ધારે મેઘ મહેર થઇ રહી છે.

છેલ્લા ર૪ કલાક દરમ્યાન જુનાગઢ જીલ્લામાં કુલ ૪૧૯ મી. મી. વરસાદ નોંધાયો હતો જેમાં કેશોદ પ૧, મીમી, જુનાગઢ-રર, ભેંસાણ-ર૬, મેંદરડા ૩૬, માંગરોળ ૬૮,  માણાવદર ૬૮ મી. મી., માળીયા ૪૭ મી. મી., વંથલી ૪ર, અને વિસાવદર તાલુકામાં ૩૮ મી. મી. વરસાદ થયો હતો.

માણાવદર વિસ્તારમાં ગઇકાલે અઢી ઇંચ વરસાદ થયા બાદ આજે પણ સવારથી મેઘો મંડાયો છે.

સવારના ૬ વાગ્યાથી મેઘાની ધીમી શરૂઆત રહી હતી પરંતુ આઠ વાગ્યે મેઘરાજા તુટી પડતા ૧૦ વાગ્યા સુધીમાં ૪૮ મીમી પાણી પડયાનું નોંધાયું હતું.

આ લખાય છે ત્યારે પણ માણાવદરમાં ધીમી ધારે વરસાદ ચાલુ હોવાના સમાચાર છે.

માણાવદરની જેમ વંથલી વિસ્તારમાં પણ સવારથી મેઘો ઓળઘોળ થયો છે અને સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધી ચાર કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

જુનાગઢ શહેર ઉપરાંત ગિરનાર અને દાતાર પર્વત પર સવારથી ધીમી ધારે મેઘકૃપા થઇ રહી છે અને ૧૦ વાગ્યા સુધીમાં ર૬ મી.મી. વરસાદ થયો છે.

ઉપરાંત કેશોદ, મેંદરડા અને વિસાવદર વિસ્તારમાં પણ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા ચાલુ છે.

(11:42 am IST)