Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ભુજના અજરખપુરમાં એક બાળકની લાશ એક બેભાન મળતા દોડધામ

ગઇકાલથી ગુમ થયા હતા : મૃતદેહ ઉપર કોઇ ઇજાના નિશાન નથી : મોતના કારણ અંગે રહસ્ય

 ભુજ તા. ૭ : ભુજના અજરખપુરના ગુમ થયેલા એક બાળકની લાશ અને એક બેભાન મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ભુજની નજીક પધ્ધર પાસે આવેલા અજરખપુર ના બે માસુમ બાળકો ૬ ઠી જુન બુધવાર ના ગુમ થયા હતા. પરંતુ, ગુમ થયાના માત્ર ૨૪ કલાક માંજ એક મૃત હાલતમાં અને એક બેભાન હાલતમાં મળતા પધ્ધર, અજરકખપુર અને આસપાસના ગામોમાં અરેરાટી છવાઈ ગઈ છે .

પધ્ધર પોલીસે આ બાળકો સાડા ત્રણ વર્ષના દાનીયાલ ઇસ્માઇલ ખત્રી અને અઢી વર્ષની રૂબાબા આદમ ખત્રીને શોધવા માટે સોશ્યલ મીડીયા ની મદદ લીધી હતી. વ્યકિતગત રીતે પણ અનેક લોકોએ આ ગુમશુદા બંને બાળકો કયાંય કોઈને દેખાય અથવા જો મળી આવે તો પધ્ધર પોલીસ અથવા ભુજ પોલીસ કન્ટ્રોલરૂમ ને જાણ કરવા અપીલ કરી હતી. દરમ્યાન ગુમ થયેલા બાળક પૈકી દાનીયાલ ઇસ્માઇલ ખત્રીની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. જયારે બાળકી રુબાબા આદમ ખત્રી બેભાન હાલતમાં મળી આવી હતી. અજરખપુર ગામની સીમમાં ઝાડીઓ વચ્ચે આ બને બાળકો મળી આવ્યા હતા. જોકે, મૃતક બાળક દાનીયાલની લાશ ઉપર ઇજાના કયાંયે નિશાન જોવા ન મળતા તેના મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ઇજાગ્રસ્ત બાળકી રૂબાબાને સારવાર માટે ભુજની વાયેબલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. દરમ્યાન આ ઘટનાને પગલે ડીવાયએસપી પટેલ અને પધ્ધર પોલીસનો કાફલો અજરખપુર સીમમાં તપાસ માટે પહોંચી ગયો છે.આ કૃત્ય કોણે કર્યું? કોણે બાળકોનું અપહરણ કર્યું? એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.(૨૧.૧૪)

(12:01 pm IST)