Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય બાદ ર કોઠારીની વરણી

ભાવનગર-ગઢડા (સ્વામીના): રાજયભરમાં ચર્ચાસ્પદ રહેલ ગઢડા (સ્વામીનો) ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય થયા બાદ દેવપક્ષ દ્વારા ચેરમેન અને કોઠારીની વરણી કરાઇ છે. ગઢડા ગોપીનાથ ટેમ્પલ બોર્ડની પ્રતિષ્ઠાભરી પ્રમુખમાં એસ.પી.સ્વામીની પેનલનો પરાજય થયો છે. અને દેવપક્ષનો વિજય થયો છે. દરમ્યાન મોડી રાત્રે જ દેવપક્ષ દ્વારા ચેરમેન પદે હરજીવનસ્વામીની વરણી કરવામાં આવી છે. જયારે મંદિરમાં બે કોઠારીની વરણી કરાઇ છે. જેમાં ગઢડા મંદિરના નવા કોઠારી સદ્દગુરૂસ્વામી લક્ષ્મીનારાયણદાસજી ભાવનગરવાળા તથા સદ્દગુરૂ શાસ્ત્રી હરિપ્રસાદજી ગઢડાવાળાની વરણી કરવામાં આવી છ.ે મોડી સાંજે ચૂંટણી અધિકારી એસ.એમ.સોની દ્વારા પરિણામોની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. આ મતગણતરીના અંતે આચાર્ય પક્ષના એક બ્રહ્મચારી બિનહરીફ તથા ચૂંટણી દરમિયાન એક પાર્ષદ રમેશભગત તથા ગૃહસ્થ વિભાગના એક ઉમેદવાર અને દેવપક્ષના સાધુ વિભાગના એક ઉમેદવાર તથા ગૃહસ્થ વિભાગના ત્રણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આમ આ પરિણામોના અંતે દેવ પક્ષના ફાળે ચાર ઉમેદવારો અને આચાર્ય પક્ષના ફાળે ત્રણ ઉમેદવારો જાહેર થતા દેવ પક્ષનું પલડુ વધારે એક ઉમેદવારની જીતથી ભારે થવા પામ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી ગઢડા મંદિરનું  શાસન કબ્જે કરવાના મનસુબા ધરાવતા રાકેશ પ્રસાદ સમર્થકોમાં આનંદની લહેર ફેલાવા પામી હતી. આ પરિણામોની જાહેરાત બાદ ભારે આતશબાજી વચ્ચે જીતનો આનંદ વ્યકત કર્યો હતો. આ ચૂંટણીના અંતે આચાર્ય પક્ષના એસ.પી.સ્વામી દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં મતદારોના નામ ઉમેદવારથી માંડીને મતગણતરી પ્રક્રીયામાં અને ગેરરીતીઓ થઇ હોવાના આક્ષેપ કરી આ પરિણામો સુપ્રિમ કોર્ટમાં પડકારવાનો નિર્દેશ કર્યોહતો. ઉલ્લેખનીય છે કે આ મતગણતરી દરમિયાન ખૂબજ સામાન્ય મતથી થયેલી હારજીત અને રિજેકટ થયેલા ૧૮પ મતો અને ૯ જેટલા ચેલેન્જ મત મુદ્દે આચાર્ય પક્ષ દ્વારા રીકાઉન્ટીંગની માંગણી કરવામાં આવતા આ માંગણી નહી સ્વિકારવામાં આવી હોવાનું એસ.પી.સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિજેતાઓમાં મનજીભાઇ જસમતભાઇ ઇટાળીયા(પરવાળા) ૭૧૭ર, શાંતિભાઇ મગનભાઇ ગોવાળીયા (વેળાવદર) ૭૧૪૦, શિવલાલભાઇ પોપટભાઇ માલવિયા (નાનામાચીયાળા) ૭૧૧૯, શૈલેષભાઇ હિંમતભાઇ દેવાણી (શેલાણા) ૭૧ર૩, અરજણભાઇ નાનજીભાઇ સાવલીયા (આંબા) ૭ર૧૩, સુરેશભાઇ દામજીભાઇ ગાબાણી (ગોરડકા) ૭૧૯૧, વિનુભાઇ ભવાનભાઇ રાખોલીયા (અકાળા) ૭૧૬૯, દિપકભાઇ દિનેશભાઇ પાટડીયા (રાણપુર) ૭૧૩૬ નો સમાવેશ થાય છે. આ ચૂંટણીના મુખ્ય સૂત્રધાર અને વહિવટકર્તા એસ.પી.સ્વામી ત્યાગી વિભાગમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. જેની સામે દેવ પક્ષના સાધુ હરિજીવનદાસજી ચૂંટણી લડી રહ્યા હતા. મતગણતરી દરમિયાન સાધુ વિભાગમાંથી હરીજીવનદાસજીને ૧૧ર મત તથા એસ.પી. સ્વામીને ૩૦ મત મળતા દેવ પક્ષના સાધુ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાધુ વિભાગમાંથી એસ.પી.સ્વામી ગત ચૂંટણીમાં પણ પરાજીત થયા હતા. (તસ્વીરઃ અહેવાલ-મેઘના વિપુલ હિરાણી (ભાવનગર), વૃજલાલ મોદી ગઢડા (સ્વામીનો)

(11:42 am IST)