Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઘરકંકાસથી કંટાળી માતાએ સંતાનો સાથે કરેલો આપઘાત

કોળી પરીણિતાએ ગૃહ કંકાશના કારણે જીવ દેતા નાના એવા ગામમાં અરેરાટી

અમદાવાદ,તા. : અમરેલી જિલ્લામાં કોરોનાની મહામારીમાં લોકડાઉન વચ્ચે રાજુલાના વિસળિયા નેસડી ગામમાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવતાં અને દર્દનાક ઘટનામાં માતા, બે પુત્ર અને એક પુત્રી સહિત ચાર જણાંના મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો સાથે સાથે સ્થાનિક અને પંથકના ગ્રામ્યજનોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી જિલ્લાના રાજુલાના વિસળિયા નેસડી ગામના સીમ વિસ્તારમાં આવેલા કુવામાં માતાએ બે પુત્રો અને એક પુત્રી સાથે પડતું મુકી જિંદગીનો અંત લાવી દીધો હતો.

        ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને ચારેયના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે રાજુલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર કંકાસને કારણે આપઘાત કર્યાનું બહાર આવ્યું છે. ડીવાયએસપી એસ.પી. કુશલ ઓઝા સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમજ પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી, ધારાસભ્ય અંબરીશ ડેર પણ દોડી આવ્યા હતા. લોકડાઉન સમયે પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા અનેક પ્રકારની ચર્ચાઓ લોકોમાં ચાલી હતી. જો કે, સ્થાનિક ગ્રામજનોમાં બનાવને લઇ ભારે અરેરાટી લાગણી ફેલાઇ ગઇ હતી.

(10:09 pm IST)