Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

દ્વારકાના હમુસરમાં માનસીક દિવ્યાંગ પત્નીના હાથે પતિની હત્યા

રૂપીબેન હાથલે ટપુભા ઉપર લોખંડના દસ્તાના ઘા ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધા : ૨ સંતાનો નોંધારા : વાઘેર પરિવારમાં અરેરાટી

ખંભાળીયા તા. ૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના હમુસર તા. દ્વારકા ગામે રહેતી ખુડીયા વાડી વિસ્તારની વાઘેર રૂપીબેન ટપુભા હાથલ (ઉ.૩૦) વાળીએ આજે સવારે તેનો પતિ ટપુભા દેવાણંદ હાથલ (ઉ.૩૮) વાળો પથારીમાં સૂતો હતો ત્યારે લોખંડના દસ્તાથી માથામાં માર મારતા ઉંઘમાં જ ટપુભાનું મોત નિપજ્યું હતું.

વહેલી સવારે પાંચેક વાગ્યે આ ઘટના બની હતી જે પછી પાડોશીઓ તથા સગા-વ્હાલાઓને સવારે જાણ થતાં તેમણે પોલીસને બોલાવતા પોલીસે દોડી આવીને રૂપીબેનને અટકાયત કરીને લાશને પી.એમ. માટે મોકલેલ.

મરણ જનાર ટપુભા દેવાણંદની પત્ની રૂપીબેન સાતેક વર્ષથી માનસિક બીમાર હતી જેથી જામનગર વસુંધરા હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી.

વાઘેર પરિવારના ટપુભા હાથલને તેની પત્નીએ મારી નાખતા અને એ અસ્થિર મગજની હોય તેમને ૧ પુત્રી અને ૧ પુત્ર નોંધારા થઇ ગયા છે. બનાવ અંગે રામભા દાનસંગભા વાઘેરે પોલીસમાં ફરિયાદ કરી છે. મીઠાપુર પી.આઇ. શ્રધ્ધાબેન ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

(12:57 pm IST)