Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જસદણમાં 'શાળા આવી મારા ઘરે' : ૨૫૦૦ બાળકોને એપ્લીકેશનના માધ્યમથી ઘર બેઠા શિક્ષણ

આટકોટની એસ.પી.એસ. સંકુલ અને જસદણની શાંતિનિકેતન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ કરાયો

આટકોટ તા. ૭ : ડિઝીટલ ટેકનોલોજીના માધ્યમથી સ્પેન ગૃપની તમામ શાળાઓનાં કુલ ૨૫૦૦ જેટલા બાળકો દરરોજ અઢી કલાક શિક્ષણ કાર્ય મેળવી શકે તેવા ઉમદા હેતુથી સ્પેન એજયુકેશન ગૃપ દ્વારા ડિઝીટલ પ્લેટફોર્મ eSPEN class નાં માધ્યમથી વિદ્યાર્થીઓને વિડીઓ લેકચર્સ, બુક રીડીંગ, MCQ ટેસ્ટ તેમજ ચેપ્ટર ટેસ્ટ, યુનિટ ટેસ્ટ પણ આપી શકે તેવી ડિઝીટલ એપ્લીકેશન ચાલુ કરવામાં આવી છે. આ એપ્લીકેશન આટકોટની એસ.પી.એસ. સંકુલ અને જસદણની શાંતિનિકેતન સ્કૂલ દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ એપ્લીકેશન વિદ્યાર્થીઓના વાલીઓના મોબાઈલમાં ડાઉનલોડ કરાવી એપ્લીકેશનનાં માધ્યમથી 'મમ્મી મારા શિક્ષક'નાં માધ્યમથી તમામ બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ પોતાનાં ભવિષ્યનું નિર્માણ કરી શકે તેવા હેતુથી આ કાર્ય શરૂ કરાયું છે.

આ લોકડાઉનની પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ પોતાનાં ભવિષ્યનું નિર્માણ કરી શકે, ઘરની બહાર ન નીકળે તેમજ બિનજરૂરી તોફાનો ન કરે એ માટે સ્પેન ગૃપનાં ડિરેકટર ડો.કમલેશભાઈ હિરપરા દ્વારા આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના તમામ કર્મચારીઓ જયદીપ હિરપરા, કેવલ હિરપરા, ભરતભાઈ પરમાર, રોહિત સોજીત્રા, મનીષ મજીઠીયા, પ્રકાશ પ્રજાપતિ, અજયભાઈ, યોગેશ રામાણી, સત્યેન્દ્ર પ્રસાદસર, શ્રીકાંતભાઈ તેમજ અન્ય સ્ટાફગણ દ્વારા ટેલીફોનિક વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફોલોઅપ મેળવવામાં આવે છે. સાથોસાથ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ આ નવતર પ્રયોગ અંગે પોજીટીવ સહકાર મળી રહ્યો છે.

કોરોના વાયરસના ડરને દૂર કરી હોંશેહોંશે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે તેમ ડો.કમલેશભાઈ હીરપરા, સ્પેન સંસ્થાના ડીરેકટર જણાવે છે.

કોરોનાના ભયાનક વાયરસથી બચવા માટે વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો ઘરે સુરક્ષિત રહે તેવા પ્રકારનો પ્રયાસ સ્પેન ગૃપ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમવાર કરવામાં આવ્યો છે. જેનો અમો, અમારો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. કોરોના વાયરસના ડરને દૂર કરી હોંશેહોંશે વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી રહ્યા છે.

(11:54 am IST)