Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

માધાપર ભુજના ત્રણ કીમીમાં પ્રવેશબંધીઃ સેંકડો લોકોને ઘરોમાં રહેવા આદેશ

કચ્છમાં કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસને પગલે તંત્ર એલર્ટઃ ૧૧૭ જણ કવોરેન્ટાઈનઃઅનેક કોલોનીઓમાં રહેતા સેંકડો લોકોને ઘર બહાર નીકળવાની મનાઈ, જનહિત માટે સહકાર આપવા તંત્રની અપીલ

ભુજ,તા.૭: કચ્છમાં કોરોનાનો બીજો કેસ પોઝિટિવ નીકળ્યા બાદ વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. તેમ જ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા કોરોના સામે તકેદારી રાખવા આગોતરા પગલાં ભરાઈ રહ્યા છે.

માધાપરમાં ૬૨ઙ્ગ વર્ષીય વૃદ્ઘ પુરુષને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોઈ આ કેસ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો હોવાનું લાગતા કચ્છમાં વહીવટીતંત્ર, આરોગ્યતંત્ર અને પોલીસતંત્ર એલર્ટ થઈ ગયા છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ૪૪ ટીમો દ્વારા માધાપરમાં કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા ૫૫૯૬ ઘરોમાં હોમ સર્વે દ્વારા ૨૧,૩૮૯ લોકોનું સ્ક્રીનીંગ કરાયું હતું. જેમાં ૬૦ વર્ષ ઉપરના ૨૪૬૨ અને અન્ય બિમારીવાળા ૬૪ જણાની તપાસ કરાઈ હતી.

દરમ્યાન આ દર્દીના સંપર્કમાં આવેલા ૧૧૭ જણાને કવોરેન્ટાઈન કરાયા છે, જેમાં ૨૫ ને સરકારી તો ૯૨ ને ઘરે કવોરેન્ટાઈન કરાયા છે. કોરોનાનો આ પોઝિટિવ કેસ જાહેર થયો તેના ૧૪ દિવસ દરમ્યાન માધાપર અને ભુજના ત્રણ કીમી એરિયામાં સરકારી તેમ જ ખાનગી દવાખાનાની ઓપીડીમાં આવેલા શરદી, ઉધરસ અને ફ્લુ તાવના ૧૯ દર્દીઓનું ફોલોઅપ કરાયું હતું. આ ઉપરાંત આરોગ્યલક્ષી પત્રિકા અને લાઉડસ્પીકર દ્વારા પણ કોરોના વિશે સમજણ અપાઈ હતી. કોમ્યુનિટી ટ્રાન્સમિશન કેસની હિસ્ટ્રીને ધ્યાને લઈને જિલ્લા કલેકટર પ્રવીણા ડીકેએ પોઝિટિવ દર્દીના રહેણાંક ક્રિષ્ના પાર્ક, યક્ષ મંદિર માધાપરની ફરતે આવેલ માધાપર તેમ જ ભુજના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ૧૪ દિવસ સુધી અવરજવર ઉપર અને ઘરોમાંથી બહાર નીકળવા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી આ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. દરમ્યાન પોલીસતંત્ર પણ ખડેપગે છે.પશ્ચિમ કચ્છના એસપી સૌરભ તોલંબિયાએ પીઆઇ અને પીએસઆઇ સહિતના પોલીસ જવાનોને જાહેરનામાનો અમલ કરવા તૈનાત કરી દીધા છે. વહીવટીતંત્ર અને પોલીસે સયુંકત અપીલ કરીને લોકોને જનહિતમાં સહકાર આપવા અપીલ કરી છે. જાહેરનામાનો ભંગ કરી સહકાર નહીં આપનારાઓ સામે કડક પગલાં ભરવાની ચેતવણી પોલીસે આપી છે.

(11:52 am IST)