Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

વાંકાનેર પંથકમાં દિપડાનો મુકામઃહોલમાતા ગૌશાળામાં ત્રાટકયો, વાછરડીનું મારણઃ વધુ પિંજરા મુકવા જરૂરી

વાંકાનેર,તા.૭: છેલ્લા દસ દિવસથી કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે અને લોકો કોરોના ભયના હેઠળ જિંદગી જીવી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના જાલસીકા હોલમઢ તેમજ આજુબાજુના ગ્રામજનો દીપડાના આતંકના ભયના વાતાવરણ વચ્ચે જિંદગી જીવવા મજબુર બન્યા છે.

છેલ્લા એક મહિના દરમિયાન જાલસીકા આસપાસના વિસ્તારમાં દીપડાએ અંદાજિત ૨૫ જેટલા પશુઓનુ મારણ કરે છે તેમજ હોલમાતાજી મંદીરની ગૌશાળામાં ગાય તેમજ વાછડીઓ મળી કુલ પાંચનું મારણ કરેલ છે. આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતાં તેમના દ્વારા દીપડાને પકડવા માટેના પ્રયાસો હાથ ધરેલ પરંતુ ફકત એક જ પીંજરુ મૂકવાથી દીપડો હાથ લાગેલ નથી.

ગતરાત્રીના હોલમાતા મંદિર ગૌશાળામાં ફરી પાછો દીપડો ત્રાટકયો હતો જયાં ૪૦૦ ગાયોની વચ્ચે એક વાછરડીનું મારણ કરેલ. ગાયો પણ દીપડાના આતંકથી ગૌશાળામાં પાણી પીવા જતાં હાલ ડરી રહી છે. હાલ તો ગૌશાળા દ્વારા દિવાલની ઉપરના ભાગે તાત્કાલિક વાળ બનાવવાનું ચાલુ કરવામાં આવેલ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક ધોરણે વધુ પાંજરા મૂકી આ દીપડા ને ઝડપી પાડી લોકોને દીપડાના ભયથી છુટકારો અપાવે તેવી માંગણી છે.

(11:39 am IST)