Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોનાની દહેશતના પગલે ગીરમાં ૬૦૦થી વધુ સિંહોનું કેમેરાથી ર૪ કલાક મોનિટરીંગ

જરૂર પડયે કવોરનાઇન માટેની પણ વ્યવસ્થાઃ તમામ પ્રાણીઓ ઉપર વોચ રાખવા સુચના

જુનાગઢ તા. ૭ :.. કોરોનાની દહેશતના પગલે ૬૦૦ થી વધુ સિંહોનું કેમેરાથી વન વિભાગ દ્વારા ર૪ કલાક મોનિટરીંગ શરૂ કરવામાં આવેલ છે. તેમજ જરૂર પડયે કવોરન્ટાઇન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ન્યુયોર્કના પ્રાણી સંગ્રહાલયની વાઘણને કોરોનાં પોઝીટીવના લક્ષણો જોવા મળતા ભારતમાં ઝૂ ઓથોરીટી એલર્ટ થયેલ છે અને દેશના તમામ ઝૂ માં બિલાડી કુળનાં પ્રાણીઓ, વાનર તેમજ તેનાં કુળનાં પ્રાણીઓનાં પાંજરાને ડીસ ઇફેકટન્ટ કરી તમામ ઉપર ર૪ કલાક વોચ રાખવાની સુચના જારી કરવામાં આવી છે.

બિનપાલતુ પ્રાણીમાં માણસ દ્વારા કોરોનાં સંક્રમણનો પ્રથમ કેસ સામે આવતા ભારતમાં ઝૂ ઓથોરિટી સહિત વન એકશન મોડમાં આવી ગયેલ છે.

સુચનાના પગલે ગીર જંગલ વિસ્તારનાં તમામ ઝૂ સફારી પાર્ક, એનિમલ કેર સેન્ટર, જીન પુલ વગેરેમાં સિંહ-દીપડાને કોરોનાનાં લક્ષણો જોવા મળે તો જાણ કરવાની પણ સુચના આપવામાં આવી છે.

જુનાગઢ સ્થિત વન વિભાગનાં સુત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના સક્કર બાગ પ્રાણી સંગ્રહાલય ઉપરાંત દેવળીયા સફારી પાર્ક, આંબરને સફારી પાર્ક, બરડા જીન પુલ સહિત વન વિભાગના તમામ એનિમલ કેર સેન્ટરોમાં સાવચેતીના પગલા હાથ ધરવામાં આવેલ છે. જેના પગલે જે તે સ્થળે વેટરનરી ડોકટર દ્વારા સિંહ - દીપડા અને વાઘ સહિત બિલાડી કુળનાં તમામ પ્રાણીઓ તેમજ વાઘનું સીસી ટીવી કેમેરાથી ર૪ કલાક મોનિટરીંગ શરૂ કરાયેલ છે.

ગીર વિસ્તારમાં ટ્રેકરોને પણ સુચના અપાઇ છે. (પ-૧૧)

(11:28 am IST)