Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

મોરબીમાં સાગર કવચ ઓપરેશન હેઠળ ૩૬ કલાક દરિયામાં કોમ્બિંગ

મોરબી તા. ૭ : ગુજરાત રાજય ૧૬૦૦ કિલોમીટરનો વિશાલ દરિયાકાંઠો ધરાવે છે ત્યારે આ દરિયાકાંઠાના ઉપયોગ આંતકવાદી પ્રવૃતિઓ માટે પણ કરવામાં આવતો હોય છે. જેથી દરિયાની સુરક્ષાને લઈને રાજયભરમાં યોજાયેલા સાગર કવચ ઓપરેશન અંતર્ગત મોરબીની ટીમોએ પણ દરિયામાં કોમ્બિંગ કર્યું હતું.

૧૦ વર્ષ પૂર્વે મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં આતંકવાદી ઈસમો દરિયાઈ માર્ગે ભારતમાં ઘુસ્યા હતા અને ગુજરાત રાજય વિશાલ દરિયાકાંઠો ધરાવે છે ત્યારે દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને રાજયના તમામ દરિયાકાંઠે ઓપરેશન સાગર કવચ યોજાયું હતું જેમાં મોરબીના નવલખી બંદર ખાતે ૨ પીઆઈ, ૬ પીએસઆઈ અને ૬૦ પોલીસ જવાનોની ટીમો તા. ૪ ના સવારથી તા. ૦૫ સુધી સતત દરિયામાં કોમ્બિંગ કર્યું હતું અને ૩૬ કલાક સુધી દરિયામાં આવતી જતી બોટોના ચેકિંગ કર્યા હતા તો શંકાસ્પદ બોટો પણ તંત્ર દ્વારા રાજય લેવલે ગોઠવાઈ હતી જેને ઝડપી લેવાની કામગીરી એટલે કે મોકડ્રીલ યોજવામાં આવી હતી જોકે મોરબીના જવાનોના ૩૬ કલાક કોમ્બિંગમાં મોરબી આસપાસ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ બોટો મળી આવી ના હતી. આ જવાનોએ લેન્ડીંગ પોઈન્ટ, ચેકપોસ્ટ સહિતના વિસ્તારોમાં સતત કોમ્બિંગ કરાયું હતું અને દરિયાઈ સુરક્ષાની ખાતરી કરવામાં આવી હતી.

(12:55 pm IST)