Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

૧૨ વર્ષથી ઝુપડામાં ચાલતી શાળામાં ગુણોત્સવ યોજયો!

ભૌતિક સુવિધા શૂન્ય, સારૂ બ્લેક બોર્ડ પણ નથીઃ ગુણોત્સવના ગુણગાન સામે અનેક સવાલ સર્જતી ચોટીલાના નાવા ગામની વાદી વસાહતની શાળા

ચોટીલા તા. ૭ : રાજયમાં સરકારી શિક્ષણ પાછળ કરોડોનાં ખર્ચ કરવામાં આવે છે છતા ખાનગી શાળાઓ રાજાની કુવરી માફક વધતી જાય છે ત્યારે રાજયના શિક્ષણ વિભાગ માટે શરમજનક ગણાય તેવી ચોટીલા વાદી વસાહતમાં ૨૦૦૬માં સરકારી પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારથી આ શાળા ઝૂંપડામાંજ ચાલે છે, એકજ ઝૂપડાની અંદર બે શિક્ષકો મારફતે ધોરણ ૧ થી ૫ નાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે.

આ ઝૂંપડામાં ચાલતી શાળામાં કોઇજ પ્રકારની ભૌતિક સુવિધા નથી, નથી સારૂ બ્લેક બોર્ડ, નથી પાણીની સુવિધા, શાળા ગ્રાન્ટમાંથી ઉનાળામાં તડકાની અસર ના પડે તેથી ઝૂપડાની મરામત કરી વ્યવસ્થિત બેસવા લાયક કરવામાં આવેલ છે.

૧૨ વર્ષમાં એક વખત તંબુ ફાળવેલ હતો જે ટાઢ તટકો અને વરસાદ ની સામે નેસ્ત નાબૂદ થયેલ છે. પાણીની સુવિધા નહી હોવાથી સરકારે ફાળવેલ પ્લાસ્ટિકનાં સેનીટેશનો શાળાના જરૂરી પુસ્તકો, રજીસ્ટરો સહિતની ચીજવસ્તુઓ મુકવા કરવામાં આવી રહેલ છે.

આ શાળામાં છેલ્લાં કેટલાક વર્ષો પહેલા એક શિક્ષક શાળાને ફાળવેલી ગ્રાન્ટ ઉપાડી છનનન થઈ ગયેલ જેની સામે નોટીસો કાઢી આ રકમની રીકવરી કરવામાં આવેલ પરંતુ હજુ સુધી આ શિક્ષક ફરજ પર પરત ફરેલ નથી કે જીલ્લા વહિવટી વિભાગે કોઇ સખ્ત કાર્યવાહી પણ કરેલ નથી આવી ઉચાપતને છાવરવા પાછળ કોણ જવાબદાર તેની પણ તપાસ જરૂરી છે.

આ શાળામાં ગુણોત્સવનાં મુલ્યાંકન માટે નિવૃત આચાર્ય શાંતીભાઇ પટેલને મુકવામાં આવેલ જેઓને પુછતા જણાવેલઙ્ગ કે ઝૂંપડામાં ચાલતી આ શાળામાં ભૌતિક મુલ્યાંકન નથી કરાયુ વિદ્યાર્થીઓનું વાંચન ગણન લેખનનું મુલ્યાંકન કરાયુ છે કેમકે અહિયા કોઇ પ્રકારની ભૌતિક સુવિધા જ નથી.

ઝરીયા મહાદેવ જવાના રસ્તા સામે વાદી વસાહતમાં છેલ્લાં ૧૨ વર્ષ થી કેમ ઝૂંપડામાં શાળા ચાલે છે કયાં સુધી આવુ ચાલશે તેવુ શિક્ષણાધિકારી ડી એમ ચૌહાણને પુછતા જણાવેલ કે વાદી સમાજને ૧૦૦ ચો. વારના સરકાર દવારા પ્લોટ ફાળવવામાં આવેલ પરંતુ ફાળવણી બાદ આ જમીનનો હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેથી અહિયા શાળાનું બિલ્ડીંગ બનેલ નથી નજીકમાં મોડેલ સ્કુલનું બિલ્ડીંગ પૂર્ણતાને આરે છે નવા સત્રમાં ત્યાં શાળા ફરે તેવી તજવીજ કરીશું તેમ જણાવેલ હતું.

(12:54 pm IST)