Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ઉના નવાબંદરે મળેલી પુરૂષની લાશનો ભેદ ઉકેલવા મથામણઃ હત્યાની આશંકા

મરનાર બોટમાં નોકરી કરતો હતોઃ ૬ માસનો પગાર બાકીઃ શરીર ઉપર ઈજાના નિશાનો

ઉના તા. ૭: નવા બંદર દરિયા કિનારે ૪૦ દિવસ પહેલા નાંદણ ગામનાં યુવાનની લાશ મળી હતી તે અંગે યુવકના પરિવારજનોએ યુવાનનું ખુન થયાંનો આક્ષેપ કરી નવા બંદર મરીન પોલીસમાં લેખિતમાં ફરીયાદ નોંધવા માંગણી કરી હતી. પોલીસે અરજીનાં રૂપમાં લઇ તપાસ ચાલુ છે. એફએસએલ રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરશું તેવું જણાવે છે.

નવા બંદર ગામનાં દરિયા કિનારે છેલણા પીરની દરગાહ પાસે નાંદણ ગામનાં યુવાન ભાવેશભાઇ નાનજીભાઇ મેવાડા ઉ.વ. ર૧ વાળાની લાશ મળી આવી. હતી. આ લાશ ભાવેશની હોવાનું નાનજીભાઇ વીરાભાઇ મેવાડા એ ઓળખી બતાવેલ હતી. લાશમાં મોઢા અને શરીર ઉપર ઇજાઓનાં નિશાનો હતાં ત્યારે પોલીસને જણાવેલ કે ભાવેશને કોઇકે મારી નાખ્યો છે. તેમ છતાં પોલીસે એડી. નોંધી હતી તેથી પરિવારનાં હસમુખભાઇ નાનજીભાઇ મેવાડાએ નાંદણ વાળાએ ૭-૩-ર૦૧૮નાં નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ.ને લેખીતમાં અરજી કરી ફરીયાદ નોંધવા જણાવેલ હતું.

ફરિયાદમાં જણાવેલ કે ભાવેશ છેલ્લા બે વરસથી નવા બંદર ગામનાં મોહનભાઇ ભગવાનભાઇ સોલંકીની બોટમાં નોકરી કરતો હતો ભાવેશએ જણાવ્યા મુજબ છ માસનો પગાર શેઠ પાસે બાકી હતો અને ૯/ર/૧૮નાં પગાર માંગતા મોહનભાઇએ ફિસીંગ કરવા ભાવેશ તથા ૯ યુવાન ગયા હતા અને ૧૪-ર-૧૮નાં સવારનાં ૭-૦૦ વાગ્યા બાદ ભાવેશ મૃત શાલતમાં દરિયા કિનારે છેલણ પીરની દરગાહ પાસે મળી આવેલ હતો. અરજીમાં ખુન થયાં આક્ષેપ કરેલ છે. અને વધુમાં જણાવેલ કે લાશને પોસ્ટ મોર્ટમ કરવા લઇ ગયેલ ત્યારે પોસ્ટમોર્ટર રીપોર્ટમાં ભાવેશનાં શરીર ઉપર પાંચ ઇજાનાં ચીહનોનો ઉલ્લેખ ડોકટરે કરેલ છે. અને ભાવેશના મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યુ નથી. તેમજ આ એ. ડી. ની તપાસ કરનાર જમાદાર આરોપીઓના સગા થતા હોય તટસ્ય તપાસ કરતા નથી. તેથી સક્ષમ અધિકારીએ તટસ્થ તપાસ કરવી. તેમજ મરણ જનારનો મોબાઇલ અને પાકીટ પણ હતુ તે કયાં કોની પાસે છે. તેની તપાસ કરવી માંગણી કરી છે.

નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરતા પોલીસે જવાબ આપેલ કે જે તે સમયે એ.ડી.ની નોંધ કરી છે. મરણ જનારનો કોલ ડીટેલ્સની તપાસ ચાલુ છે. એફ. એસ. એલ. ના રીપોર્ટ આવેલ નથી. ભાવશેનું મૃત્યુ કેવી રીતે થયુ તે જાણ્યા બાદ આગળની કાર્યવાહી  કરાશે. હજુ સુધી એક પણ શંકાસ્પદ કડી મળી નથી.

ફરીયાદ નોંધવા માટે લેખીતમાં અરજી આપ્યા ને પણ મહિનો થવા આવ્યો છે. તો વહેલી તકે તટસ્થ તપાસ કરી મરણ જનાર ભાવેશનું મરવાનું સાચુ કારણ બહાર આવે અને તેના પરિવારને ન્યાય મળે તે માટે મરણ જનારના ભાઇ હસમુખભાઇ નાનજીભાઇ મેવાડાએ ગુજરાત રાજયનાં ગૃહમંત્રી, જીલ્લા પોલીસવડા ગીર સોમનાથ ત્થા ડીવાયએસપી ગીર સોમનાથને લેખીતમાં રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.

(11:39 am IST)